GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સાણંદ ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા મીઠાઈ - રાસન કીટ વિતરણ કરાયું

ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટની સરાહનીય સેવાકીય કામગીરી: દિવાળીના પર્વે નિઃસહાય અને નિરાધાર પરિવારોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવ્યો,સાણંદમાં ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ તથા રાશન કીટનું વિતરણ કરાયું — લાભાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ, સેવાભાવને સૌએ બિરદાવ્યો.

સાણંદ : દિવાળી એટલે પ્રકાશ, આનંદ, ખુશીઓ અને માનવતાનો પર્વ. આ પવિત્ર તહેવારના અવસરે કોઈ ગરીબ, નિઃસહાય કે નિરાધાર વ્યક્તિ ખુશીઓથી વંચિત ન રહે અને દરેક પરિવાર પણ દિવાળીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી શકે તેવા ઉમદા સેવાભાવ સાથે ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ, સાણંદ દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ સરાહનીય સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું.

જાહેરાત

ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સાણંદની જે.ડી.જી. સંસ્કાર કન્યા વિદ્યાલય ખાતે સાણંદ શહેર તેમજ આસપાસનાં ગામડાંઓમાંથી આવેલા નિઃસહાય, નિરાધાર અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને દિવાળીના પાવન પર્વ નિમિત્તે મીઠાઈ તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ગુલાબ બૌદ્ધ, ઉપપ્રમુખ તથા એડવોકેટ સંજય વાઘેલા, સેક્રેટરી રાહુલ રાઠોડ અને એડવોકેટ મહેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના હોદ્દેદારોના હસ્તે લાભાર્થીઓને મીઠાઈ અને રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ વિતરણ દરમિયાન લાભાર્થીઓના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.દિવાળીના પર્વે મીઠાઈ અને જીવનજરૂરી રાશન મળતાં લાભાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના સેવાકીય કાર્યને બિરદાવી સંસ્થાના હોદ્દેદારોને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા હતા.માનવતાની ભાવનાથી કરવામાં આવેલી આ સેવાએ તહેવારની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.સેવા, સહયોગ અને સમાજકલ્યાણ માટે સતત કાર્યરત સંસ્થા,ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ માત્ર તહેવારો પૂરતી જ સેવા મર્યાદિત રાખતું નથી, પરંતુ વર્ષ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક કલ્યાણ અને ગ્રામવિકાસ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે છે.સંસ્થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય,તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,શૈક્ષણિક કીટનું વિતરણ, સરકારી વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ અને માર્ગદર્શન શિબિરો, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, ટ્રાફિક જાગૃતિ અભિયાન તથા સાયબર જાગૃતિ જેવા જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.સંસ્થાનો મુખ્ય હેતુ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાનો, શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને લોકોમાં સામાજિક જવાબદારી તથા માનવતાની ભાવના મજબૂત કરવાનો છે.

દિવાળીના પર્વે મીઠાઈ અને રાશન કીટનું વિતરણ કરીને ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી દિવાળી માત્ર પોતાના ઘરમાં દીવા પ્રગટાવવામાં નહીં, પરંતુ બીજાના જીવનમાં પણ ખુશીઓનો પ્રકાશ ફેલાવવામાં છે.ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટની આ સેવાકીય પહેલ સાણંદ પંથકમાં માનવતા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર સ્મિત લાવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહકાર, સંવેદના અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.જે નિઃસહાય, નિરાધાર અને વૃદ્ધજનો સંસ્થા સુધી આવી શક્યા નથી, તેમના ઘરે ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ દ્વારા મીઠાઈ અને રાશન કીટ પહોંચાડવામા આવશે.