સોમનાથની ઐતિહાસિક દરગાહોના ડિમોલિશન પર વિવાદ, હાઈકોર્ટમાં કલેક્ટર અને પુરાતત્વ વિભાગ સામસામે

ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ ઐતિહાસિક દરગાહો અને મકાનો તોડી પાડવાના મામલે મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી સામે સ્થાનિક મુસ્લિમ રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારોનો આક્ષેપ છે કે, વર્ષ 1904થી પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ઐતિહાસિક વારસાને જરૂરી મંજૂરી વિના તોડી પાડવામાં આવ્યો છે. આ મામલે કલેક્ટર તંત્ર અને પુરાતત્વ વિભાગ વચ્ચે પણ સવાલો ઊભા થયા છે.
ASIની મંજૂરી વિના ઐતિહાસિક માળખું તોડ્યાનો આક્ષેપ
ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોના વકીલ આનંદ યાજ્ઞિકે રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર, તોડી પાડવામાં આવેલી પીર અહેમદ શાહ દરગાહ અને તેના પરના શિલાલેખો વર્ષ 1904થી વિવિધ કાયદાઓ હેઠળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ હોવાનું જણાવાયું છે. અરજદારોનો આરોપ છે કે, સક્ષમ સત્તાધિકારી ASIની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ સ્થાનિક વહીવટી તંત્રએ દરગાહ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ દરમિયાન ઐતિહાસિક શિલાલેખ પણ કાટમાળમાં દટાઈ ગયો હતો. બાદમાં સ્થાનિક લોકોએ આ શિલાલેખ શોધી કાઢ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હોવાનું પણ કોર્ટમાં રજૂ કરાયું છે.
રાજ્યના પુરાતત્વ વિભાગ પાસે કાર્યવાહીનો રેકોર્ડ નથી
અરજદાર ગોહેલ બસીર કાસમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વધારાની સોગંદનામાની વિગતોમાં વહીવટી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. RTI હેઠળ મળેલી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગે જણાવ્યું છે કે દરગાહ તોડી પાડવા અથવા તેના શિલાલેખની હેરફેર કરવા અંગે જિલ્લા કલેક્ટર કચેરી તરફથી કોઈ સત્તાવાર દસ્તાવેજ કે જાણકારી મળી નથી. અરજદારોના જણાવ્યા અનુસાર, આ મિલકત વર્ષ 1924ના જૂનાગઢ રાજ્યના ઐતિહાસિક રેકોર્ડમાં પણ નોંધાયેલી હતી. આવી સ્થિતિમાં તેને ગેરકાયદે દબાણ જાહેર કરીને તોડી પાડવા માટે કયા આધારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે હાઈકોર્ટમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
102 એકર જમીનમાંથી 9 દરગાહ અને 47 મકાનો હટાવાયાં
બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર આ કાર્યવાહીનો બચાવ કરી રહ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર, સોમનાથ મંદિરની આસપાસની આશરે 102 એકર સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યાં હતાં. આ દબાણો દૂર કરવા માટે વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન અંદાજે 9 દરગાહો અને મુસ્લિમ પરિવારોનાં 47 મકાનો તોડી પાડવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટની સુનાવણી પર સૌની નજર
ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચાડવા અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન ન કરવાના આક્ષેપો વચ્ચે આ મામલો હવે મહત્ત્વપૂર્ણ કાનૂની મુદ્દો બન્યો છે. એક તરફ વહીવટી તંત્ર સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી ગણાવી રહ્યું છે, તો બીજી તરફ અરજદારો ઐતિહાસિક સ્મારકોના રક્ષણ અને જરૂરી મંજૂરીના અભાવનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. હવે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે થનારી સુનાવણી અને તેના સંભવિત નિર્ણય પર સૌની નજર મંડાઈ છે.











