ગુજરાતમાં દિવાળીના તહેવારમાં આગનું તાંડવ, અમદાવાદમાં ઓઇલ મિલ 60 કલાકથી સળગી રહી

દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતભરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગર સહિતનાં શહેરોમાં આગની ઘટનાઓએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ક્યાંક રહેણાક ઇમારતોમાં આગ લાગી તો ક્યાંક ઔદ્યોગિક એકમો આગની ઝપેટમાં આવ્યાં હતાં. અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર આવેલી ઓઇલ મિલમાં લાગેલી આગ 60 કલાકથી વધુ સમય વીતી જવા છતાં સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નથી. બીજી તરફ રાજકોટની પીવીસી ફેક્ટરીમાં લાગેલી આગ 18 કલાક સુધી ચાલુ રહી હતી.
મંત્રીઓની સોસાયટીમાં પણ આગની ઘટના
ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે તેમની ઇસ્કોન મેગા સિટી સોસાયટીના નવમા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મંત્રીએ પોતે 100 નંબર પર ફોન કરીને પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ માગી હતી. આવી જ ઘટના સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના રિવર વ્યુ હાઈટ્સ બિલ્ડિંગમાં બની હતી. બિલ્ડિંગના 12મા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના કારણે 100 વર્ષનાં વૃદ્ધા સહિત આઠ લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
અમદાવાદમાં 60 કલાક બાદ પણ આગ કાબૂમાં નહીં
અમદાવાદ ફાયર બ્રિગેડને 24 કલાકમાં આગના કુલ 136 કોલ મળ્યા હતા, જેમાંથી 120 જેટલા કોલ ફટાકડાના કારણે લાગેલી આગને લગતા હતા. જોકે, સૌથી ગંભીર ઘટના ધોળકા-બાવળા રોડ પર આવેલી તિવાના ઓઇલ મિલમાં બની હતી. અહીં શનિવારે વહેલી સવારે લાગેલી આગ સોમવાર સાંજ સુધી એટલે કે 60 કલાકથી વધુ સમય બાદ પણ સંપૂર્ણપણે ઓલવી શકાઈ નહોતી. આગ પર કાબૂ મેળવવા માટે બુલડોઝરની પણ મદદ લેવી પડી હતી.
વડોદરા અને રાજકોટમાં પણ ભારે નુકસાન
વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગતાં ઘરની ઘરવખરી સાથે તિજોરીમાં રાખેલા રોકડાં પણ બળીને ખાખ થઈ ગયાં હતાં. શહેરમાં ફટાકડાના કારણે 62 સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ હતી. આગમાં દાઝેલા દર્દીઓના કારણે હોસ્પિટલો પર પણ ભાર વધ્યો હતો. રાજકોટમાં જૂના એરપોર્ટના રન-વે સુધી ઘાસમાં લાગેલી આગ પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે બે વખત ફાયર ફાઇટરોને દોડાવવા પડ્યા હતા. રાજકોટમાં ત્રણ દિવસ દરમિયાન આગના કુલ 219 બનાવો નોંધાયા હતા. બીજી તરફ સોખડા ગામની પીવીસી પાઇપ ફેક્ટરીમાં લાગેલી આગ 18 કલાક બાદ પણ કાબૂમાં આવી શકી નહોતી. દિવાળીના તહેવાર દરમિયાન આગની આ ઘટનાઓએ ફાયર વિભાગ અને વહીવટી તંત્રની તૈયારીઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. રાજ્યભરમાં ફાયર બ્રિગેડના હજારો જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી કરી રહ્યા છે.





