Video: નડિયાદના કોલેજ રોડ પર કપડાંના શોરૂમમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા

નડિયાદ શહેરના કોલેજ રોડ પર અંબા આશ્રમ નજીક આવેલા કપડાંના શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બેન્ક્વેટ હોલ અને હોટેલ નજીક આવેલા શોરૂમમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા
શોરૂમમાં કપડાંનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ સાથે ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની તીવ્રતાને કારણે આસપાસની દુકાનોમાં પણ આગ ફેલાવાની ભીતિ ઊભી થઈ હતી.
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ફાયર ફાઈટિંગ વાહનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા અને આગને આસપાસની દુકાનો સુધી ફેલાતી અટકાવવા કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ આગની ઘટનાના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. જેના કારણે કોલેજ રોડ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે.







