વિમાનનું ટાયર પંચર થવું ‘એક્ટ ઓફ ગોડ’ નથી! વેન્ચુરા એરલાઇન્સને ગ્રાહક પંચનો ઝટકો, મુસાફરને ચૂકવવા પડશે ₹69 હજાર

હવાઈ મુસાફરોને છેલ્લી ઘડીએ મુશ્કેલીમાં મૂકીને પોતાની જવાબદારીમાંથી છટકી જતી એરલાઇન્સ સામે ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચે કડક વલણ અપનાવ્યું છે. વિમાનનું ટાયર પંચર થવાના કારણે ફ્લાઇટ રદ કરવાના મામલે વેન્ચુરા એર કનેક્ટની દલીલો ફગાવી દેવામાં આવી છે. પંચે એરલાઇનને મુસાફર કમલેશભાઈ જાનીને કુલ ₹69,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કંપની દ્વારા મુસાફરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી સામે પણ વાંધો નોંધાવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
અમરેલી જિલ્લાના ખાંભાના રહેવાસી કમલેશભાઈ જાનીએ 2 ઓક્ટોબર, 2023ના રોજ અમરેલીથી સુરત જવા માટે વેન્ચુરા એરલાઇન્સની ફ્લાઇટ (VA-702)ની બે ટિકિટ બુક કરાવી હતી. તેઓ પોતાના ખર્ચે ટેક્સી કરીને અમરેલી એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે તેમની ફ્લાઇટ રદ થઈ ગઈ છે. ચોંકાવનારી બાબત એ હતી કે ફ્લાઇટના નિર્ધારિત સમય બાદ એરલાઇન તરફથી ફ્લાઇટ કેન્સલ હોવાનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ સાથે આ મામલે થયેલી ચર્ચા બાદ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મુસાફર પર CEO સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, કંપનીએ કમલેશભાઈને બ્લેકલિસ્ટ પણ કરી દીધા હતા.
જિલ્લા ગ્રાહક પંચે ચૂકવવા કહ્યું હતું વળતર
એરલાઇનની કાર્યવાહીથી નારાજ કમલેશભાઈએ અમરેલી જિલ્લા ગ્રાહક સુરક્ષા પંચમાં ફરિયાદ કરી હતી. જિલ્લા પંચે કેસની સુનાવણી બાદ એરલાઇનને ટેક્સી ભાડા પેટે ₹6,000, માનસિક ત્રાસ બદલ ₹50,000 અને કોર્ટ ખર્ચ પેટે ₹3,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ગ્રાહકનું નામ બ્લેકલિસ્ટમાંથી તાત્કાલિક દૂર કરવા પણ જણાવ્યું હતું.
રાજ્ય પંચે એરલાઇનની દલીલ ફગાવી
જિલ્લા પંચના આદેશ સામે એરલાઇન કંપનીએ ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં અપીલ કરી હતી. કંપનીએ દલીલ કરી હતી કે વિમાનનું ટાયર પંચર થવું એ સુરક્ષાને લગતો મુદ્દો છે અને તેને 'ફોર્સ મેજ્યોર' (Force Majeure) એટલે કે અનિવાર્ય સંજોગોની શ્રેણીમાં ગણવો જોઈએ. જોકે, રાજ્ય પંચે કંપનીની દલીલ સ્વીકારી નહોતી. તપાસમાં સામે આવ્યું હતું કે કંપની પાસે કુલ ત્રણ વિમાન હતાં, જેમાંથી બે વિમાન પહેલેથી જ મેન્ટેનન્સ (Maintenance) હેઠળ હતાં. પરિણામે કંપની પાસે સમગ્ર કામગીરી માટે માત્ર એક જ કાર્યરત વિમાન ઉપલબ્ધ હતું અને તેના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી.
કંપની પર વધારાનો ₹10 હજારનો દંડ
રાજ્ય પંચે સ્પષ્ટ કર્યું કે કંપનીએ પૂરતા વિમાનો અને વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ ન કરવી એ તેની પોતાની વ્યવસ્થાકીય ખામી છે. એકમાત્ર કાર્યરત વિમાનનું ટાયર પંચર થવું એ કુદરતી આપત્તિ ગણાવી શકાય નહીં. આ સાથે જ રાજ્ય પંચે એરલાઇનની અપીલ ફગાવી દીધી હતી અને અપીલ કરીને ગ્રાહકનો સમય બગાડવા બદલ કંપની પર વધારાના ₹10,000નો દંડ ફટકાર્યો હતો. આમ, અગાઉના ₹59,000ના વળતરમાં વધારો કરીને કુલ ₹69,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકાદો એરલાઇન્સની જવાબદારી અને મુસાફરોના ગ્રાહક અધિકારોના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.










