અલાહાબાદ હાઈકોર્ટના નામે મોટો ખેલ: 95 વેબસાઈટો બંધ કરાવવા જજનો બનાવટી ઓર્ડર બનાવી નાખ્યો, ભાંડો ફૂટતાં મચી દોડધામ!

અલાહાબાદ હાઈકોર્ટના નામે મોટો ખેલ: 95 વેબસાઈટો બંધ કરાવવા જજનો બનાવટી ઓર્ડર બનાવી નાખ્યો, ભાંડો ફૂટતાં મચી દોડધામ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અલાહાબાદ હાઈકોર્ટના નામે એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સોએ હાઈકોર્ટનો બનાવટી (ફેક) ઓર્ડર તૈયાર કરીને 95 વેબસાઈટોને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ષડયંત્રનો પર્દાફાશ થતાં જ ન્યાયતંત્ર અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચીફ જસ્ટિસના નિર્દેશ બાદ હાઈકોર્ટના જોઈન્ટ રજિસ્ટ્રાર એન. ચંદ્રાની ફરિયાદ પર કૈન્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.

આ રીતે ફૂટ્યો સમગ્ર કાવતરાનો ભાંડો

જાહેરાત

તપાસ મુજબ, 30 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોઇટર્સના ઈન્ડિયા ટેક્નોલોજી સંવાદદાતા મુન્સિફ વેંગતિલે હાઈકોર્ટ પ્રશાસનને એક ઈમેલ મોકલ્યો હતો. આ ઈમેલ સાથે ટેલિકોમ વિભાગની વેબસાઈટ પર અપલોડ કરાયેલા એક કથિત આદેશની નકલ પણ જોડવામાં આવી હતી, જેમાં 95 જેટલી વેબસાઈટોને બ્લોક કરવાનો સરકારી નિર્દેશ અપાયો હતો. આ આદેશ 14 ઓગસ્ટનો બતાવવામાં આવ્યો હતો અને તેના પર અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ ગરિમા પ્રસાદનું નામ લખેલું હતું.

હાઈકોર્ટના સર્વરમાં કેસનો કોઈ રેકોર્ડ જ ન મળ્યો

આ બાબત સામે આવતાં જ હાઈકોર્ટના રજિસ્ટ્રાર (કોમ્પ્યુટર) દ્વારા સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરાવવામાં આવી હતી. સિસ્ટમ મેનેજર અરિંદમ લાહિડીના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે હાઈકોર્ટના રેકોર્ડ અનુસાર કથિત રિટ પિટિશન નંબર 30480/2026 નામનો કોઈ કેસ અસ્તિત્વમાં જ નથી. આ ઉપરાંત, 14 ઓગસ્ટના રોજ આવો કોઈ ઓર્ડર હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર ક્યારેય અપલોડ કરાયો નહોતો. જસ્ટિસ ગરિમા પ્રસાદના અંગત સચિવે પણ સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયાધીશ દ્વારા આવો કોઈ જ આદેશ પસાર કરવામાં આવ્યો નથી.

સાયબર ટીમ સક્રિય, કાવતરાખોરોની શોધખોળ તેજ

ડીસીપી (સિટી ઝોન) સાગર જૈનના જણાવ્યા અનુસાર, 6 નવેમ્બરે કૈન્ટ પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવીને છેતરપિંડી આચરવાના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફેક ઓર્ડર ક્યાંથી અને કોના કોમ્પ્યુટર/આઈપી એડ્રેસ પરથી જનરેટ કરવામાં આવ્યો હતો તે શોધવા માટે સાયબર ક્રાઈમ સેલની ખાસ ટીમ કામે લગાડવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે ન્યાયતંત્રના નામે આટલું મોટું ષડયંત્ર રચનારા આરોપીઓને ટૂંક સમયમાં પકડી પાડી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત