૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પક્ષને મોટો ફટકો; પાકિસ્તાનની પેટાચૂંટણીમાં થઈ કારમી હાર

૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ સાથે સંકળાયેલા રાજકીય પક્ષને પાકિસ્તાનમાં સંસદીય પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલી ગુજરાંવાલા (NA-77) બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં, સત્તાધારી પક્ષ 'પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ' (PML-N) એ હાફિઝ સઈદ સમર્થિત ઉમેદવારને પરાજય આપ્યો છે.
પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, હાફિઝ સઈદની રાજકીય પાંખ ગણાતા 'પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ' (PMML) ના ઉમેદવાર મોહમ્મદ ઈબ્રાહિમ ગુજ્જરને ૩૦,૦૦૦થી વધુ મત મળ્યા હતા, જ્યારે PML-Nના ઉમેદવાર રાશિદ બશીર વિર્કે ૪૩,૦૦૦થી વધુ મત મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. સંસદ સભ્ય મહમૂદ બશીર વિર્કના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. નોંધનીય છે કે, આ ચૂંટણીમાં ઈમરાન ખાનના પક્ષ (PTI), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને જમાત-એ-ઈસ્લામીએ કોઈ ઉમેદવાર ઉતાર્યા ન હતા.





