નેતન્યાહૂનું ખુરશી બચાવવાનું સપનું રોળાયું: ઈઝરાયલની સંસદ પર વિપક્ષનો કબ્જો, સ્પીકરથી લઈને ડિફેન્સ કમિટી સુધીના નામો ફાઈનલ!

ઈઝરાયલના રાજકારણમાં સત્તા પરિવર્તનની ગતિવિધિઓ વચ્ચે નેતન્યાહૂ વિરોધી બ્લોકે સંસદ (નેસેટ) પર પોતાની પકડ મજબૂત કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 26મી નેસેટના શપથ ગ્રહણ સમારોહ પહેલાં વિપક્ષી ગઠબંધનના પાંચ મુખ્ય નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કરીને સંસદના સ્પીકર તેમજ સુરક્ષા અને નાણાં જેવી પ્રભાવશાળી સંસદીય સમિતિઓના વડાઓના નામો અંગે સર્વસંમતિ સાધી લીધી છે.
કોને કયું પદ સોંપવાની સહમતિ બની?
ગઠબંધનમાં થયેલી સમજૂતી અનુસાર સંસદના મહત્વના હોદ્દાઓ આ મુજબ વહેંચવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી અને યશર પાર્ટીના સાંસદ મટન કહાનાને સંસદના આગામી સ્પીકર બનાવવાનો નિર્ણય લેવાયો છે. શરૂઆતમાં નફતાલી બેનેટ અને એવિગ્દોર લિબરમેન યાઅર લેપિડના નામનું સમર્થન કરી રહ્યા હતા, પરંતુ આઈઝેનકોટ પોતાની પાર્ટી માટે આ પદ ઇચ્છતા હતા. આખરે આઈઝેનકોટ અને લિબરમેન વચ્ચે સહમતિ સધાઈ હતી. પૂર્વ સંરક્ષણ મંત્રી એવિગ્દોર લિબરમેન સંરક્ષણ અને વ્યૂહાત્મક નિર્ણયો લેતી આ સૌથી શક્તિશાળી સમિતિનું નેતૃત્વ કરશે. નફતાલી બેનેટની પાર્ટીના નવા સાંસદ લિરાન અવિશાર બેન-હોરિનને આ મહત્વપૂર્ણ નાણાકીય સમિતિની જવાબદારી સોંપવામાં આવશે. સંસદની આંતરિક કામગીરી અને સંચાલન સાથે જોડાયેલા નિયમોનું સંચાલન કરતી હાઉસ કમિટીના અધ્યક્ષ તરીકે રોય ફોલ્કમેનનું નામ નક્કી કરાયું છે.
https://x.com/gadi_eisenkot/status/2120066173144281269
બુધવારે સંસદમાં રજૂ થશે પ્રસ્તાવ
નવી સરકાર રચવાની દિશામાં આગળ વધી રહેલા પૂર્વ આર્મી ચીફ ગાડી આઈઝેનકોટે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, પરિવર્તન અને સુધારાની રાજનીતિ માટે એકઠા થયેલા સહયોગીઓ સાથે મળીને તમામ મુખ્ય પદોના ઉમેદવારો નક્કી કરી લેવાયા છે. હાઉસ કમિટીની બેઠકોમાં સમિતિઓના માળખાને આખરી ઓપ આપ્યા બાદ, બુધવારે નેસેટના પૂર્ણ સત્ર (પ્લેનરી) માં મંજૂરી માટે ઔપચારિક પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ સાથે ગઠબંધને સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ચોક્કસ મુદ્દાઓ માટે ખાસ સમિતિઓની રચનાની પણ જાહેરાત કરાશે.






