'તું સેક્સ્યુઅલ પ્રિડેટર છે...': જજે ભરી કોર્ટમાં ફેમસ કોમેડિયનના લીધા ક્લાસ, સાંભળતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ!

બ્રિટનના જાણીતા કોમેડિયન, એક્ટર અને અમેરિકન પોપ સિંગર કેટી પેરીના પૂર્વ પતિ રસેલ બ્રાન્ડને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે એક મહિલા સાથે દુષ્કર્મ (રેપ) અને અન્ય ત્રણ મહિલાઓનું જાતીય શોષણ કરવાના ગંભીર કેસમાં રસેલ બ્રાન્ડને 10 વર્ષ અને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.
કોર્ટે ગણાવ્યા 'સેક્સ્યુઅલ પ્રિડેટર'
આ કેસની સુનાવણી દરમિયાન જજ જોએલ બેનાથને સજા સંભળાવતા રસેલ બ્રાન્ડ પર આકરી ટિપ્પણી કરી હતી. જજે જણાવ્યું હતું કે, "લગભગ 20 વર્ષ પહેલાં રસેલ જ્યારે સફળતાના શિખરે હતા, ત્યારે તેઓ ઘણા લોકોને બુદ્ધિશાળી અને આકર્ષક લાગતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓ એક 'સેક્સ્યુઅલ પ્રિડેટર' (જાતીય શિકારી) બની ચૂક્યા હતા." કોર્ટે નોંધ્યું કે તેમણે મહિલાઓ પ્રત્યે અત્યંત અહંકારી અને બેદરકાર વલણ દાખવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
રસેલ બ્રાન્ડ સામે 1999થી 2009 દરમિયાન મહિલાઓનું જાતીય શોષણ કરવાના આરોપો લાગ્યા હતા. સુનાવણી બાદ જ્યુરીએ તેમને એક મહિલા સાથે રેપ અને ત્રણ મહિલાઓ સાથે જાતીય સતામણીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જોકે, અન્ય ત્રણ આરોપોમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. અદાલતે નિર્દેશ આપ્યો છે કે તેમણે પોતાની સજાનો ઓછામાં ઓછો બે-તૃતીયાંશ સમય જેલમાં વિતાવવો પડશે, જે બાદ જ તેઓ શરતી પેરોલ માટે પાત્ર બનશે.
સ્ટારડમનો દુરુપયોગ કરવાનો આરોપ
પ્રોસિક્યુશને કોર્ટમાં રજૂઆત કરી હતી કે રસેલ બ્રાન્ડે પોતાના સ્ટારડમ, સેલિબ્રિટી પાવર અને પ્રભાવનો દુરુપયોગ કરીને મહિલાઓને નિશાન બનાવી હતી. પીડિતાઓએ કોર્ટમાં પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે આ આઘાત આજે પણ તેમનો પીછો છોડતો નથી. જોકે, 51 વર્ષીય બ્રાન્ડે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને તમામ સંબંધો પરસ્પર સંમતિથી હોવાનો દાવો કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો.










