Video: નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોનું ભક્તિમય ઘોડાપૂર! .. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નગરદેવીના દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના."

વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે અમદાવાદ શહેરના નગરદેવી માં ભદ્રકાળીના દર્શનાર્થે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ માતાજીના ચરણોમાં શિશ નમાવવા માટે મંદિર પરિસર બહાર એક થી દોઢ કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી છે.
આજના આ પવિત્ર દિવસે અબાલ-વૃદ્ધ સૌ કોઈ માં ભદ્રકાળીના આશીર્વાદ લઈને નવા વર્ષની મંગલ શરૂઆત કરી રહ્યા છે. દર્શનાર્થે આવેલા ભક્તોએ માં ભદ્રકાળીના આશીર્વાદ મેળવીને આવનારું નવું વર્ષ તમામ માટે સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવનારું નીવડે તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
નગરદેવીના આ પાટોત્સવ અને નૂતન વર્ષના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માં ભદ્રકાળીના મંદિરે પહોંચીને દર્શન-અર્ચન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. આ તકે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર અમદાવાદ શહેર તેમજ ગુજરાત રાજ્યની સુરક્ષા, શાંતિ અને સતત વિકાસ માટે માં ભદ્રકાળીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી પ્રાર્થના કરી હતી.








