માઇક્રોસોફ્ટ અને ગૂગલને ટક્કર આપવા Anthropicનું મોટું પગલું, Claudeમાં લોન્ચ કર્યા AI ઓફિસ ટૂલ્સ

સાન ફ્રાન્સિસ્કો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની કંપની Anthropic હવે માઇક્રોસોફ્ટ (Microsoft) અને ગૂગલ (Google) જેવી ટેક જાયન્ટ્સને સીધી ટક્કર આપવાની તૈયારીમાં છે. કંપનીએ પોતાના AI પ્લેટફોર્મ Claudeમાં નવા પ્રોડક્ટિવિટી ટૂલ્સ લોન્ચ કર્યા છે. આ ટૂલ્સની મદદથી યુઝર્સ સ્પ્રેડશીટ તૈયાર કરવાથી લઈને મીટિંગ, પ્રોજેક્ટ પ્લાનિંગ અને બિઝનેસ ડેટાનું વિશ્લેષણ કરવા સુધીનાં કામ AIની મદદથી કરી શકશે. સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલા પ્રોડક્ટ શોકેસ દરમિયાન Anthropicએ Claude Sheets, Claude Whiteboards, Claude Meetings અને Claude Data રજૂ કર્યા છે. આ નવી સુવિધાઓ દ્વારા Claudeને માત્ર ચેટબોટ નહીં, પરંતુ ટીમ સાથે મળીને કામ કરી શકે તેવા AI આધારિત ઓફિસ વર્કસ્પેસ (AI-native Workspace) તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પગલું Microsoft 365 અને Google Workspace જેવી સેવાઓ માટે સ્પર્ધા ઊભી કરી શકે છે.
Claudeના ચાર નવા ટૂલ્સ શું કરશે?
1. Claude Sheets: Excel અને Google Sheetsને ટક્કર
Claude Sheets સ્પ્રેડશીટ તૈયાર કરવા અને ડેટા મેનેજમેન્ટ માટેનું ટૂલ છે. યુઝર્સ સામાન્ય ભાષામાં સૂચના આપીને કેમ્પેઇન ટ્રેકર, હાયરિંગ બજેટ અથવા જટિલ ફાઇનાન્શિયલ મોડલ તૈયાર કરી શકશે. Claude પોતાની રીતે ફોર્મ્યુલા, મલ્ટી-ટેબ શીટ, ડ્રોપડાઉન અને કન્ડિશનલ ફોર્મેટિંગ પણ ઉમેરશે. ખાસ વાત એ છે કે યુઝર અને AI એકસાથે સેલમાં ફેરફાર કરી શકશે. AI દ્વારા કરવામાં આવેલા ફેરફારો પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.
2. Claude Whiteboards: વિચારોને વિઝ્યુઅલ સ્વરૂપ આપશે
આ ટૂલ ટીમ બ્રેઇનસ્ટોર્મિંગ, પ્રોજેક્ટ પ્લાનિંગ અને આર્કિટેક્ચર મેપિંગ માટે ઉપયોગી બનશે. સામાન્ય ચર્ચા અને નોંધોને ટાઇમલાઇન, Kanban વર્કફ્લો અથવા સ્ટિકી નોટ્સના સ્વરૂપમાં ગોઠવી શકાશે. ત્યારબાદ આ માહિતીમાંથી પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ રિપોર્ટ અને દસ્તાવેજો પણ તૈયાર કરી શકાશે.
3. Claude Meetings: મીટિંગમાં AI સહયોગી
Claude Meetings માત્ર મીટિંગનું રેકોર્ડિંગ કે ટ્રાન્સક્રિપ્ટ તૈયાર કરવા પૂરતું મર્યાદિત નથી. તે મીટિંગ દરમિયાન સક્રિય સહયોગી તરીકે કામ કરશે. શરૂઆતમાં Google Meet સાથે આ સુવિધા Team અને Enterprise સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ રહેશે. મીટિંગ દરમિયાન યુઝર્સ Claudeને કંપનીના આંકડા શોધવા, પ્રોજેક્ટની સમયમર્યાદા તૈયાર કરવા અને અન્ય કામ કરવા સૂચના આપી શકશે. મીટિંગ પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા દસ્તાવેજો અને એક્શન આઇટમ્સ ટીમના Claude વર્કસ્પેસમાં સિંક થશે.
4. Claude Data: બિઝનેસ ડેટાનું વિશ્લેષણ
અગાઉ Claude Dashboards તરીકે ઓળખાતું આ ટૂલ હવે Claude Data નામે રજૂ થયું છે. તેની મદદથી ટેક્નિકલ જાણકારી ન ધરાવતા કર્મચારીઓ પણ સામાન્ય અંગ્રેજીમાં સવાલ પૂછીને કંપનીના ડેટાનું વિશ્લેષણ કરી શકશે. તે Snowflake, Salesforce, Amazon Redshift અને Google BigQuery જેવા ડેટા પ્લેટફોર્મ સાથે જોડાઈ શકશે. પરિણામોને ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ, ડેટા સ્ટોરી અને ટૂંકા વીડિયો સ્વરૂપે પણ રજૂ કરી શકાશે.
કોને મળશે આ સુવિધાઓ?
કંપનીના પ્લાન મુજબ, ફ્રી યુઝર્સને મુખ્ય ઓફિસ ટૂલ્સ Claude Sheets, Whiteboards અને Meetingsનો એક્સેસ મળશે નહીં. જોકે, તેમને સામાન્ય ચેટ અને કેટલીક બેઝિક એપ કનેક્ટર સુવિધાઓ મળતી રહેશે. Pro અને Max જેવા પેઇડ પ્લાન ધરાવતા વ્યક્તિગત યુઝર્સને Claude Sheets, Whiteboards અને બીટા વર્ઝનમાં Claude Dataનો ઉપયોગ વેબ, ડેસ્કટોપ અને મોબાઇલ પર કરી શકશે. જ્યારે Team અને Enterprise એકાઉન્ટ્સને સંપૂર્ણ ટૂલ સ્યુટ મળશે, જેમાં Claude Meetingsની સુવિધા પણ સામેલ છે. Anthropicનું આ લોન્ચ એવા સમયે આવ્યું છે, જ્યારે કંપનીના સંભવિત IPO અંગે પણ ચર્ચા ચાલી રહી છે. નવા AI ટૂલ્સ દ્વારા કંપની કોર્પોરેટ પ્રોડક્ટિવિટી સોફ્ટવેરના મોટા બજારમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.








