તમિલનાડુના રાજકારણમાં નવો અધ્યાય; Vijay Thalapathyની જીત પર રજનીકાંત, ચિરંજીવી સહિત સેલેબ્સે પાઠવ્યા અભિનંદન
થલાપતિ વિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં શ

થલાપતિ વિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. તેમની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) પ્રદેશની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ જીત બાદ હવે વિજયનું તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેમની આ ઐતિહાસિક જીત પર સાઉથ ઇન્ડસ્ટ્રીના તમામ સિતારાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં સુપરસ્ટાર રજનીકાંતથી લઈને રશ્મિકા મંદાના, એ.આર. રહેમાન, ધનુષ અને પૂજા હેગડે સહિત અનેક સેલેબ્સના નામ સામેલ છે. સાથે જ અનેક સેલેબ્સે તેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે પણ શુભેચ્છાઓ પાઠવી છે.
રજનીકાંતે પાઠવ્યા અભિનંદન
થલાઇવા એટલે કે રજનીકાંતે વિજયને અભિનંદન આપતા લખ્યું, ‘તાજેતરમાં સંપન્ન થયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનેલા તમિલગા વેટ્ટ્રી કઝગમના અધ્યક્ષ થિરુ વિજય અને તેમની પાર્ટીના સભ્યોને તેમની ભવ્ય જીત પર મારા હાર્દિક અભિનંદન.’
તમિલનાડુની જનતાનું મળ્યું અપાર સમર્થન: ધનુષ
અભિનેતા ધનુષે પણ થલાપતિ વિજયને જીતની શુભેચ્છા પાઠવી હતી. તેણે 'X' પર લખ્યું, ‘વિજય સર અને તમિલનાડુ વિક્ટ્રી કઝગમને મારા હાર્દિક અભિનંદન. જેમણે મેદાનમાં ઉતરીને અને પોતાની પ્રથમ ચૂંટણીમાં ભાગ લઈને તમિલનાડુની જનતાનું અપાર સમર્થન અને પ્રેમ મેળવ્યો છે. હવે તેઓ સરકાર બનાવવા માટે તૈયાર છે.’
થલાપતિ કચેરી દિવસ-રાત પ્રગતિ કરી રહી છે: પૂજા હેગડે
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ની હિરોઈન પૂજા હેગડેએ પણ વિજયની જીત પર ખુશી વ્યક્ત કરી છે. વિજય સાથેની એક તસવીર શેર કરતા તેણે લખ્યું, ‘ઓહ માય ગોડ! અભિનંદન વિજય સર. આ થલાપતિ કચેરી દિવસ-રાત પ્રગતિ કરી રહી છે. બસ આગળ વધતા રહો. પાર્ટી ટાઈમ!’
એ.આર. રહેમાને સફળ નેતા બનવાની શુભેચ્છા આપી
ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને પણ થલાપતિ વિજયની જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, ‘તમિલગા વેટ્રી કઝગમને હાર્દિક અભિનંદન. અમારા વહાલા વિજયને અભિનંદન. અમે કામના કરીએ છીએ કે તમે એક આદર્શ નેતા તરીકે સફળતાના શિખરો સર કરો અને ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ, સામાજિક ન્યાય અને સમાનતાના હિમાયતી બનીને તમિલનાડુને અગ્રેસર બનાવો.’
નવા સ્વરૂપમાં વિજયને જોવા ઉત્સાહિત છે રશ્મિકા
થલાપતિ વિજય સાથે ‘વારિસુ’માં કામ કરી ચૂકેલી રશ્મિકા મંદાનાએ પણ વિજયને અભિનંદન આપ્યા હતા. તેણે લખ્યું, ‘અભિનંદન સર, તમારા માટે ખૂબ જ ખુશ છું અને આ નવા તબક્કામાં તમને જોવા માટે ઉત્સાહિત છું! તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!’
નયનતારા બોલી- ઇતિહાસ રચી દીધો
સાઉથની ફીમેલ સુપરસ્ટાર નયનતારાએ વિજયને અભિનંદન આપતા લખ્યું, ‘વિજય સરને અભિનંદન. તમે આજે ઇતિહાસ રચી દીધો છે. આ તો માત્ર શરૂઆત છે.’
નાગા વામસીએ ગણાવી ઐતિહાસિક જીત
દિગ્દર્શક નાગા વામસીએ લખ્યું, ‘અભિનેતા વિજય ગારુને આ નવી સફર માટે હાર્દિક શુભેચ્છાઓ. એક ઐતિહાસિક જીત! તમિલનાડુની જનતા અને નવા નેતૃત્વને આ નવા અધ્યાયની શરૂઆત માટે ઘણી બધી શુભેચ્છાઓ.’
સિનેમા પડદાથી નીકળીને જમીન પર વર્ચસ્વ જમાવી રહ્યું છે: સંદીપ રેડ્ડી વાંગા
નિર્માતા-નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ લખ્યું, ‘સિનેમાની આ જ ખાસિયત છે, તે લોકોને પ્રભાવિત કરી શકે છે, વ્યવસ્થાઓને હલાવી શકે છે અને હાજરીને શક્તિમાં બદલી શકે છે. અહીં સિનેમા પડદાની બહાર નીકળીને જમીન પર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે. પ્રચાર નહીં, શોરબકોર નહીં, પણ અસલી શક્તિ.’
જનતાનું સમર્થન આશીર્વાદ છે: સૂર્યા
એક્ટર સૂર્યાએ પણ લખ્યું, ‘જનતાનો પ્રેમ અને સમર્થન મળવું એ એક આશીર્વાદ છે. તમિલનાડુને મારા મિત્ર વિજય પર પૂરો વિશ્વાસ છે. તમિલનાડુની રાજનીતિમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા વિજયને મારા હાર્દિક અભિનંદન.’
ચિરંજીવીએ સફળ જીત પર અભિનંદન આપ્યા
મેગા સ્ટાર ચિરંજીવીએ શુભેચ્છાઓ પાઠવતા લખ્યું, ‘વિજય, તમને પ્રથમ ચૂંટણીમાં મળેલી આ શાનદાર અને અત્યંત સફળ જીત પર હાર્દિક અભિનંદન. તમે અટલ લગન અને દ્રઢ સંકલ્પ સાથે પ્રેરણા આપતા રહો, નેતૃત્વ કરતા રહો અને સેવા કરતા રહો.’








