શતરંગ / નરેન્દ્ર મોદી માટે નીતીશ - નાયડુ હવે રોજરોજની અગ્નિ પરીક્ષા છે!
- કરન્ટ કીક રાજકારણમાં કોઈ શકિત દૈવી નથી હોતી, કોઈ તાકાત અપરાજયી નથી હોતી અને

- કરન્ટ કીક
રાજકારણમાં કોઈ શકિત દૈવી નથી હોતી, કોઈ તાકાત અપરાજયી નથી હોતી અને વરસો સુધી ટકી રહે એવો માસ્ટર સ્ટ્રોક કોઈ હોતો જ નથી, વાજપેયી જેવા અપવાદો બાદ કરીએ તો, જે કંઈ પાવર હોય એ નંબર ગેમનો હોય છે બસ.
નવી સરકારમાં જુના નેતાઓને મોસ્ટલી ફરીથી એ જ મંત્રાલય મળ્યા અને આપણે બધા જ ખુશ થઈ ગયા કે મોદી-શાહ એમ આપણા બે ગુજરાતીઓએ નીતીશ-નાયડુને કોઈ મંત્રાલય ના આપ્યા. ઇવન, નાયડુની માંગણી પ્રમાણે એમને સ્પીકર પદ પણ ના આપ્યું. વાત સાચી છે જ, પણ નાયડુએ અંદરખાને કઈ ડિલ કરી છે? એને ખરેખર મંત્રાલય જોતું હતું કે પોતાના "આંધ્ર પ્રદેશ" રાજ્યનો પર્સનલ પોલિટિકલ પાવર?
એક જાણકારી પ્રમાણે ચંદ્રાબાબુ નાયડુ હોય કે નીતીશ કુમાર હોય, બેય નથી ઇચ્છતા કે પોતાનો કોઈ સાંસદ દિલ્હીમાં મોટું મંત્રાલય મેળવે અને ભવિષ્યમાં પોતાની સામે જ માથું ઊંચકે. વળી, સતત દિલ્હીના કોન્ટેક્ટમાં રહેવાથી બે ગુજરાતીઓ ક્યારે કોને તોડી ફોડીને ભેળવીને પોતાનામાં ભેળવી લે એ પણ નક્કી નહિ. એટલે ચંદ્રાબાબુ નાયડુએ લગભગ એક લાખ કરોડ ઉપરનું "સ્પેશિયલ પેકેજ" માંગી લીધું છે મોદી-શાહ પાસેથી. આટલા રૂપિયા ખુદ મોદીજી ગુજરાતના સીએમ હતા ત્યારે પોતાના રાજ્ય માટે ભોગવેલા કે કેમ એ સવાલ કોઈ અર્થશાસ્તત્રીને પૂછવો પડશે! અરે, 2014 પછી લગભગ દરેક રાજ્યમાં એમનું રાજ આવ્યા પછી પણ ભાજપના કોઈ મુખ્યમંત્રીને આવડું પેકેજ મળ્યું નથી, એ તો ગુજરાત લોબી વિરુદ્ધની અત્યારે યુપી કે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓની નારાજગી જોઈએ તો સમજી જવાય એમ છે.
નાયડુ એ શાતિર ખિલાડી છે કે અગાઉ હૈદરાબાદને ગિફ્ટસિટી બનાવેલું ને ભાજપ સાથે જોડાયેલા હતા, ત્યારે સતત વાજપેયી અને પ્રમોદ મહાજન પાસે રૂપિયા કઢાવેલા. અંતે, પ્રમોદ મહાજને ના પાડી દીધી અને નાયડુએ છેડો ફાડયો. ત્યારે પ્રમોદ મહાજન જેવા "મેગા ડિલર" મજબૂત નેતાએ પત્રકારોને કહેવું પડેલુ કે- આ માણસની પૈસાની ભૂખ કોઈ સંતોષી નથી શકતું. આખા દેશના બજેટ જેટલું તો નાયડુને એકલાને જોઈએ છે...પણ અફસોસ કે આજે એ પ્રમોદ મહાજન રહ્યા નથી. અને એ વાજપેયી પણ રહ્યા નથી જે નાયડુની માંગણીઓને ઠુકરાવીને બેફિકર રહીને વિપક્ષમાં બેસી શકે. નાયડુ નરેન્દ્ર મોદી અને અમિત શાહને એટીએમ મશીન જ સમજે છે એ તો હકીકત છે.
નીતીશ કુમાર સાથે સોદો કરવો પ્રમાણમાં સહેલો હતો અને આજે પણ છે. છતાં, નાયડુની વાદે ચડીને એમણે પણ બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી લીધી છે અને બિહારના આગલા મુખ્યમંત્રી પણ પોતે જ બનશે એ ડિમાન્ડ પણ મૂકી દીધી છે. નીતીશ પોતે જાણે જ છે કે પોતાની પાર્ટીના અમુક નેતાઓ ગમે ત્યારે તૂટીને ભાજપમાં જોડાઈ શકે છે. એટલે ફલાણા ઢીંકણા મંત્રાલયો બાબતે જીદ કરવી ઠીક નથી. બહેતર પોઝિશન એ છે કે પોતે પોતાની પાર્ટીનો કબજો સાચવે ને સાથે બિહારના સીએમ તરીકેનો રુઆબ પણ! એમાં પહેલી નજરે ભલે કોઈને કશો વાંધો ના લાગે, પણ નીતીશ કુમારની આ માંગણીઓનો સીધો અર્થ એ છે કે બિહારના જ ભાજપના સમર્થ નેતાઓની સીધી કુરબાની આપી દેવી, મહારાષ્ટ્રમાં ફડનવીસની જેમ. અને એ રાજનીતિનું ચૂંટણીલક્ષી પરિણામી શું થાય એ મહારાષ્ટ્ર કે યુપીની જેમ નાના પાયે બિહારમાં પણ સાબિત થઈ ચૂક્યું છે.
હવે મુદ્દો એ નથી કે નીતીશ-નાયડુની માંગણીઓ મોદી-શાહ સંતોષી શકે એમ છે કે નહીં. કારણ કે, ખાસ તો ચંદ્રાબાબુ નાયડુને જે દહેજ આપવું પડે એમ છે એ મોદીની બિઝનેસ લોબી સિવાય કોઈ કોંગ્રેસ કે કોઈ વિપક્ષની તાકાત નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આપણને મીંડા ગણતા ના આવડે એવડી રકમ ફક્ત આંધ્ર પ્રદેશના અમરાવતીને બીજું હૈદરાબાદ બનાવવાનું નાયડુ સપનું ફકત અને ફકત મોદી-શાહ જ પૂરું શકે છે. કાલ ઉઠીને આ સરકાર પડી ભાંગે તો નીતીશ-નાયડુની ડિમાન્ડ પુરી કરવાની વિપક્ષ પાસે કોઈ કેપિસિટી નથી. આ વાત વિપક્ષ પણ જાણે છે, નીતીશ-નાયડુ પણ, અને મોદી-શાહ પણ. એટલે નજીકના ભવિષ્યમાં પણ એ એંગલથી સરકાર તૂટે એવા કોઈ એંધાણ નથી.
પણ મુદ્દો એ તો જરૂર છે, મોદીના સમર્થક નેતાઓ અને વિરોધી બન્નેમાં, કે બે દાયકા ઉપરનો નરેન્દ્ર મોદીનો એકહથ્થુ પાવર એવો છે જેમાં પોતાના કે વિપક્ષના કોઈ નેતાઓ એ ભાવતાલ કરવાના લેવલે જ નહોતા જ્યાંથી વગર પ્રેમભાવે કોઈ ધરાર કશુંક કામ કઢાવી શકે. પ્રેમથી માંગો તો મળશે બાકી આડા ચાલશો તો કામ પણ જશે ને કદાચ ખુરશી પણ, એ મોદી સ્ટાઇલ ઓફ પોલિટિકસનો ઇજારો હતો. પણ હવે તો એક વાત એ પણ એ છે કે અમિત શાહ નાયડુ-નિતિશને ઠોકર મારી શકશે? પ્રમોદ મહાજનની જેમ...
- ડૉ. ભગીરથ જોગિયા








