Video: ઝાલાવાડમાં ૧૫૦ વર્ષથી ચાલી આવતી પરંપરા

સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પંથકમાં બેસતા વર્ષના દિવસે ૧૫૦ વર્ષ જૂની અનોખી પરંપરા અકબંધ જોવા મળી હતી, જ્યાં નવા વર્ષની વહેલી સવારે ગામની ભાગોળે ગોવાળ પાછળ ગાય દોડાવવાની રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી. રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી આ પરંપરા મુજબ ૩૦૦થી વધુ ગાયોના શિંગડામાં ઘી લગાવીને તેમને શણગારવામાં આવી હતી અને જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં પરંપરાગત પોશાક પહેરેલા ગોવાળો ગાયોના ધણની આગળ-પાછળ દોડ લગાવતા જોવા મળ્યા હતા, જ્યારે હરીફાઈમાં પ્રથમ આવનાર ગોવાળનું પાઘડી પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પાટડી, ધામા, વડગામ અને આદરીયાણા સહિતના આસપાસના દસથી વધુ ગામોમાં આ ઉત્સવ ભારે ઉત્સાહ સાથે ઉજવાયો હતો, જેમાં મહિલાઓએ ગાયોના ચરણની રજ માથે ચઢાવીને ધન્યતા અનુભવી હતી.
જાહેરાત








