કાળમુખો બન્યો હાઈવે: અમદાવાદના જમાલપુરના પરિવારની કાર પીપળી પાસે પલ્ટી મારી ગઈ, ઘટનાસ્થળે જ એક વ્યક્તિએ દમ તોડ્યો!

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક કારના ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
જમાલપુરના રહેવાસીઓ જઈ રહ્યા હતા ભાવનગર
મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર તમામ મુસાફરો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો કારમાં સવાર થઈને અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન પીપળી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. કાર પલ્ટી જતા અંદર બેઠેલા મુસાફરોની ચીસાચીસથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા પાંચ જેટલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પીપળી, ધોલેરા અને ધંધુકા એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ધોલેરા પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા જ ધોલેરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












