અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે ખૂની ખેલ, ભાઈને બચાવવા વચ્ચે પડેલા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

નવા વર્ષના પ્રથમ દિવસે જ અમદાવાદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાગઠાપીઠના કે.કા. શાસ્ત્રી નગર વિસ્તારમાં હત્યાને પગલે ચકચાર મચી છે. આશરે 1 મહિના અગાઉ થયેલા ઝઘડાની જૂની અદાવત રાખીને આરોપીએ યુવકના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં પોતાના ભાઈને છોડાવવા વચ્ચે પડેલા યુવકને આરોપીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર મામલે મૃતકના ભાઈએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જૂની અદાવતમાં યુવક પર હુમલો
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, 9 નવેમ્બરની રાત્રે રાયપુર નજીકના કે.કા. શાસ્ત્રીનગરમાં એક મહિના જૂની અદાવતને લઈને હિંસક ઘટના બની હતી. યુવક પોતાના વિસ્તારમાં આવેલા બ્લોક નંબર-3 પાસે ઊભો હતો. ત્યારે શેખુ મિયાની ચાલીનો રહીશ ત્યાં આવ્યો હતો. જેણે યુવકના ભાઈ સાથે થયેલા અગાઉના ઝઘડાની બાબતને લઈ બોલાચાલી શરૂ કરી દીધી હતી. આ જોઈને યુવક પોતાના ભાઈને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા આરોપીએ તેને બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મૃતકના ભાઈએ નોંધાવી ફરિયાદ
આ દરમિયાન ગુસ્સામાં આવેલા આરોપીએ પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને યુવકની છાતીમાં ખૂંપી દીધી હતી. ઘટનાસ્થળે આસપાસના લોકો એકઠા થતા હુમલાખોર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યું નિપજ્યું હતું. આ સમગ્ર મામલે મૃતકના ભાઈએ કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.










