અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને હાલાકી; 7 ફ્લાઇટ કેન્સલ, ઇન્ડિગોના બે વિમાન એક કલાક મોડા પડ્યા

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને હાલાકી; 7 ફ્લાઇટ કેન્સલ, ઇન્ડિગોના બે વિમાન એક કલાક મોડા પડ્યા
તસવીર: Google
આ સમાચાર સાંભળો

તહેવારોની મોસમમાં મુસાફરોનો ધસારો વધ્યો છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ થવા અને મોડી પડવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર 13 નવેમ્બર, શુક્રવારે સ્પાઇસજેટની 3 અને ઇન્ડિગોની 4 એમ કુલ 7 ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા.

સતત બીજા દિવસે દુબઈની ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા

જાહેરાત

અમદાવાદથી દુબઈ જતી (SG 5116) અને દુબઈથી અમદાવાદ આવતી (SG 5115) સ્પાઇસજેટની ફ્લાઇટ સતત બીજા દિવસે પણ રદ થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ-શ્રીનગર જતી (SG 9634) ફ્લાઇટ પણ રદ થતાં મુસાફરોનું પ્રવાસનું આયોજન ખોરવાઈ ગયું હતું. દુબઈની ફ્લાઇટ પકડવા માટે અનેક મુસાફરો મોડી રાતથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જો કે, ફ્લાઇટ રદ થવા અંગે પૂછપરછ કરતાં એરલાઇન્સ કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને મુસાફરોને માત્ર ઈ-મેલ કરવાનું કહેવામાં આવતાં મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

ઇન્ડિગોની 4 ફ્લાઇટ રદ અને 2 ફ્લાઇટ 1 કલાક મોડી

ઇન્ડિગો એરલાઇન્સની 13 નવેમ્બરે 4 ફ્લાઇટ રદ થઈ હતી. જેમાં અમદાવાદ-જોધપુર (6E 7074), જોધપુર-અમદાવાદ (6E 7075), અમદાવાદ-ભોપાલ (6E 7191) અને ભોપાલ-અમદાવાદ (6E 7192) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમદાવાદથી નવી મુંબઈ જતી (6E 7016) અને અમદાવાદથી જયપુર જતી (6E 7143) ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં આશરે 1 કલાક મોડી ઉપડવાની હોવાથી મુસાફરોએ એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી હતી.

વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મુસાફરોમાં નારાજગી

તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ફરવા કે વતન જવા માટે હવાઈ મુસાફરીનો વિકલ્પ પસંદ કરતા હોય છે. આવા સમયે છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતાં મુસાફરોના સમય અને પૈસાનો વ્યય થઈ રહ્યો છે. એરલાઇન્સની આંતરિક અને સંચાલન સંબંધિત સમસ્યાઓના કારણે સામાન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ફ્લાઇટ રદ થયા બાદ યોગ્ય માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થા સમયસર મળી રહે તેવી મુસાફરોને અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત