Video: ધોળકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇનની કામગીરીનો ઉગ્ર વિરોધ, 15થી વધુ ખેડૂતોની અટકાયત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇન નાખવાના મામલે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી ખેતરોમાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે. 15થી વધુ ખેડૂતોને અટકાયત કરીને અમદાવાદ ગ્રામ્યના મકરબા ખાતે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
ગેસ પાઇપલાઇનની કામગીરીનો વિરોધ
મળતી માહિતી મુજબ, સરગવાળા ગામમાં ખેડૂતોના ખેતરોમાંથી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને યોગ્ય જાણ કે નોટિસ આપ્યા વિના પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આથી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને રજૂઆત કરવા માટે ખેતરોમાં પહોંચ્યા હતા.
રજૂઆત કરવા જતાં અટકાયત
બીજી તરફ, પાઇપલાઇન નાખતી કંપનીના સત્તાધીશો પોલીસ અને SRPના જવાનોની હાજરીમાં કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતો પોતાની રજૂઆત કરવા પહોંચતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ધોળકા તાલુકામાં ગેસ પાઇપલાઇન નાખવાના મુદ્દે ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે. હવે ખેડૂતોની અટકાયત થતાં આ મુદ્દે વિવાદ વધુ વકરવાની શક્યતા છે.








