Video: માઉન્ટ આબુમાં રાજકોટના પર્યટકોનો ટેમ્પો ટ્રાવેલર ખાડામાં ખાબક્યો, 6થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

રાજસ્થાનના પ્રસિદ્ધ પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટથી માઉન્ટ આબુ ફરવા આવેલા પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર ગાડી પરત ફરતી વખતે શનિ મંદિર નજીક ડિવાઇડર સાથે અથડાઈને રસ્તા પાસે આવેલા મોટા ખાડામાં ખાબકી હતી. જોકે, ટેમ્પો ટ્રાવેલર ખાડામાં જ અટકી જતાં મોટી ખાઈમાં ખાબકતાં બચી હતી. આથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતમાં વાહનમાં સવાર 6થી વધુ પર્યટકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
રાજકોટ પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
મળતી માહિતી મુજબ રાજકોટના પર્યટકો માઉન્ટ આબુમાં ફરવા માટે આવ્યા હતા. માઉન્ટ આબુની મુલાકાત પૂર્ણ કરી તેઓ ટેમ્પો ટ્રાવેલરમાં પોતાના વતન રાજકોટ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શનિ મંદિર નજીક અચાનક ટેમ્પો ટ્રાવેલર ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું. ત્યારબાદ ટેમ્પો ટ્રાવેલર ગાડી રસ્તા નજીક આવેલા મોટા ખાડામાં ખાબકી હતી.
ગાડી ખીણમાં ખાબકતાં સહેજમાં બચી
અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો અને સ્થાનિક ટેક્સી યુનિયનના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા દાખવી બચાવ કામગીરી હાથ ધરતાં વાહનમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. જો ટેમ્પો ટ્રાવેલર ગાડી વધુ નીચે ખાઈમાં ખાબકી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.
મુસાફરોને સામાન્ય ઇજા
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પર્યટકોને તાત્કાલિક આબુરોડ સ્થિત ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે વધુ ઇજા પામેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી.
ટેક્સી યુનિયનના સભ્યોની સમયસરની બચાવ કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ પર્યટકોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ મળી હતી. આ ઘટનાને પગલે પ્રવાસીઓમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.










