Video: વિપક્ષ પર પ્રહાર કરતાં સાંસદ જશુ રાઠવા વિવાદમાં; નિવેદનને લઈને રાજકીય ચર્ચા તેજ, જાણો શું કહ્યું?

છોટાઉદેપુરના આંબેડકર હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવાએ વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કરતાં રાજકીય માહોલ ગરમાવ્યો હતો.
સાંસદ જશુ રાઠવાની વિવાદાસ્પદ ટિપ્પણી
સંબોધન દરમિયાન સાંસદ જશુ રાઠવાએ વિપક્ષના નેતાઓને નિશાન બનાવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, "અત્યાર સુધી તો માણસને કમળો થતો હતો, પરંતુ હવે તો કૂતરાઓને પણ કમળો થાય છે. વિપક્ષના નેતાઓને કૂતરા તરીકે સંબોધીને કરવામાં આવેલી આ ટિપ્પણીને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે.
રાજકીય નિવેદનથી નવો વિવાદ
એક તરફ બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે આદિવાસી યુવાનોને સંબોધિત કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ સાંસદના આક્રમક રાજકીય નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે. સાંસદના આ પ્રકારના નિવેદનથી આદિવાસી સમાજમાં પણ નારાજગી અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોવાની ચર્ચા છે. હવે સવાલ એ છે કે સાંસદના આ નિવેદન બાદ વિપક્ષના નેતાઓ શું પ્રતિક્રિયા આપશે? શું આ નિવેદનથી છોટાઉદેપુરનું રાજકારણ વધુ ગરમાશે?







