માતરના માછીયેલ ગામે ગરબા રમવા મુદ્દે પોલીસ પર પથ્થરમારો, સરપંચ સહિત 11 શખ્સો સામે ફરિયાદ

ખેડા જિલ્લાના માતર તાલુકાના માછીયેલ ગામે બેસતા વર્ષના તહેવાર નિમિત્તે યોજાયેલા માંડવળીના ગરબા દરમિયાન બે ફળિયાં વચ્ચે વિવાદ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ગરબા રમવા અને લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની તેમજ પોલીસ કર્મચારી સાથે મારામારી કરી યુનિફોર્મ ખેંચી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે.
લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે બોલાચાલી
મળતી માહિતી મુજબ, માછીયેલ ગામમાં મહાકાળી માતાના ચોક ખાતે 60 ઘરના ફળિયામાં અને તળાવવાળા ફળિયામાં ખોડિયાર માતાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને ફળિયાંના ગરબા ગામની ભાગોળે ચોક સુધી આવતા હતા. બંને પક્ષે મોટા લાઉડ સ્પીકર વગાડવામાં આવતાં ગરબાના ગોળ કુંડાળા ભેગાં થતાં ગરબા ગાવા બાબતે બોલાચાલી થઈ હતી.
પોલીસ સાથે બોલાચાલી કરી હોવાની ફરિયાદ
પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ કર્મચારીઓએ બંને પક્ષોને સમજાવી પોતપોતાના ફળિયામાં ગરબા રમવા મોકલી આપ્યા હતા. જોકે, ત્યારબાદ 60 ઘરના ફળિયાના કેટલાક લોકો ફરીથી પોલીસ પાસે આવી ભાગોળે જ ગરબા રમવાની જીદ કરી પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ટોળાંનો પોલીસ પર પથ્થરમારો
આ દરમિયાન સરકારી પોલીસ વાહન ઘટનાસ્થળે પહોંચતાં ટોળાએ વાહનને ઘેરી લીધું હતું અને પથ્થરમારો કર્યો હતો. જેમાં સરકારી વાહનના ડ્રાઇવર સાઇડના કાચ તેમજ આગળના બંને દરવાજાને નુકસાન થયું હતું. વધુમાં, ગોકળભાઈ પરસોત્તમભાઈ સોઢા પરમારે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ડાહ્યાભાઈનો યુનિફોર્મ ખેંચી નાખી તેમને ઢીકાપાટુનો માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, ગામના સરપંચ મનુભાઈ રાયસિંગભાઈ સોઢા પરમાર સહિતના લોકોએ ટોળાને ઉશ્કેર્યું હતું અને પોલીસની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો.
સરપંચ સહિત 11 શખ્સો સામે ફરિયાદ
આ સમગ્ર મામલે તા. 11 નવેમ્બર, 2026ના રોજ માતર પોલીસ સ્ટેશનમાં અ.હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર હર્ષદભાઈએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સરપંચ મનુભાઈ રાયસિંગભાઈ સોઢા પરમાર, ગોકળભાઈ પરસોત્તમભાઈ સોઢા પરમાર સહિત કુલ 11 વ્યક્તિઓ સામે ગેરકાયદેસર મંડળી રચી પોલીસની ફરજમાં રૂકાવટ, મારામારી અને સરકારી વાહનને નુકસાન પહોંચાડવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે.












