શહેરાના દલવાડામાં પ્રેમસંબંધની શંકામાં 20 વર્ષીય યુવકની હત્યા; 6 આરોપીઓ ઝડપાયા

શહેરાના દલવાડામાં પ્રેમસંબંધની શંકામાં 20 વર્ષીય યુવકની હત્યા; 6 આરોપીઓ ઝડપાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રેમસંબંધની શંકામાં 20 વર્ષીય યુવકની ઢોર માર મારી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ મહેશ રાઠોડ તરીકે થઈ છે. મહેશ મંડપના કામે જવા માટે નીકળ્યો હતો ત્યારે કેટલાક શખસોએ તેને અટકાવીને 'તું અમારી બહેન સાથે વાતચીત કરે છે' તેમ કહી બાઈક પર બેસાડી તેનું અપહરણ કર્યું હતું.

બેરહેમીપૂર્વક માર મારતા સારવાર દરમિયાન મોત

ત્યારબાદ યુવકને લાકડીઓ તેમજ હાથ-પગ વડે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં મહેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને ગોધરા, વડોદરા અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

જાહેરાત

6 આરોપીઓ પકડાયા

સમગ્ર મામલે મૃતકના ભાઈ દિનેશે 7 શખસો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને પગલે પંચમહાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પંચમહાલ LCB, SOG અને શહેરા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ગણતરીના કલાકોમાં જ 7માંથી 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ફરાર આરોપી અલ્પેશ પટેલને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રેમસંબંધની શંકામાં યુવકની હત્યાની આ ઘટનાને પગલે દલવાડા ગામમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત