નકલી કોર્ટ ઓર્ડરના આધારે 129 વેબસાઇટ બ્લોક, સરકારની તપાસ શરૂ

ભારતમાં નકલી હાઇકોર્ટના આદેશોના આધારે 129 ગેરકાયદે સટ્ટાબાજીની વેબસાઇટ્સ (Betting Websites) બ્લોક કરાવવાનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે તપાસ શરૂ કરી છે. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય (Telecommunications Ministry) હવે તપાસ કરશે કે કોર્ટના નામે મોકલવામાં આવેલા બનાવટી આદેશોની ખરાઈ કર્યા વિના અધિકારીઓએ વેબસાઇટ બ્લોક કરવાનો નિર્ણય કેવી રીતે લીધો. બીજી તરફ, ઉત્તર પ્રદેશ પોલીસે પણ આ મામલે ફોજદારી તપાસ (Criminal Investigation) શરૂ કરી છે અને મંત્રાલય પાસે મહત્વપૂર્ણ રેકોર્ડ માગ્યા છે.
રાજસ્થાન અને અલ્હાબાદ હાઇકોર્ટના નામે નકલી આદેશ
રોઇટર્સના અહેવાલ મુજબ, આ વર્ષે ટેલિકોમ વિભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs)ને કુલ 129 સટ્ટાબાજીની વેબસાઇટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી રાજસ્થાન હાઇકોર્ટ અને અલ્હાબાદ હાઇકોર્ટના નામે મોકલવામાં આવેલા બે કથિત ન્યાયિક આદેશોના આધારે કરવામાં આવી હતી. જોકે, તપાસમાં સામે આવ્યું કે બંને આદેશ બનાવટી હતા અને સંબંધિત હાઇકોર્ટના સત્તાવાર રેકોર્ડમાં તેમની કોઈ નોંધ નહોતી. એક આદેશના આધારે જુલાઈમાં 34 વેબસાઇટ્સ અને બીજા આદેશના આધારે સપ્ટેમ્બરમાં 95 વેબસાઇટ્સ બ્લોક કરવામાં આવી હતી.
કોર્ટના લોગો, સીલ અને QR કોડનો ઉપયોગ
બનાવટી દસ્તાવેજોને અસલી દેખાડવા માટે તેમાં કોર્ટનો લોગો, સીલ અને રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટના નામે તૈયાર કરાયેલા નકલી આદેશમાં QR કોડ પણ મૂકવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા કોડનો ઉપયોગ દસ્તાવેજની સત્યતા ચકાસવા માટે થાય છે, પરંતુ આ કોડ સ્કેન કરતાં અસંબંધિત વેબપેજ ખુલતું હતું. અલ્હાબાદ હાઇકોર્ટની આંતરિક તપાસમાં સ્પષ્ટ થયું કે આદેશમાં દર્શાવાયેલી અરજી અને ન્યાયિક આદેશ અસ્તિત્વમાં જ નહોતાં. ત્યારબાદ 6 નવેમ્બરે અજાણ્યા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મંત્રાલય પાસે 24 સવાલોના જવાબ માગ્યા
ઉત્તર પ્રદેશના સાયબર ક્રાઇમ અધિકારી ઘનશ્યામ યાદવે જણાવ્યું કે પોલીસે ટેલિકોમ મંત્રાલય પાસે તેની કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (Content Management System) અને ડિજિટલ લોગ્સની વિગતો માગી છે. નકલી આદેશો મંત્રાલય સુધી કેવી રીતે પહોંચ્યા, તેમની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી અને આ પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસએ મંત્રાલયને 24 પ્રશ્નો મોકલ્યા છે. પોલીસને મંત્રાલય તરફથી મળનારા જવાબોના આધારે તપાસની આગળની દિશા નક્કી કરવામાં આવશે.
મંત્રાલય પ્રક્રિયામાં ફેરફાર કરશે
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ મંત્રાલય પોતાની વેબસાઇટ બ્લોક કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરશે. ભવિષ્યમાં કોર્ટના આદેશના આધારે કોઈ વેબસાઇટ બ્લોક કરતાં પહેલાં વધારાની ચકાસણી (Verification) કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, નકલી આદેશોના આધારે આપવામાં આવેલા બ્લોકિંગ નિર્દેશો પાછા ખેંચવાની અને મંત્રાલયની વેબસાઇટ પરથી સંબંધિત દસ્તાવેજો દૂર કરવાની પણ યોજના છે. જોકે, ગુરુવાર સુધી નકલી આદેશો અને તેની સાથેનો પત્રવ્યવહાર સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ હતો.
અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ચિંતા
આ ઘટનાએ ભારતમાં વેબસાઇટ અને ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સરકારી વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા કર્યા છે. અત્યાર સુધી આ મામલામાં સટ્ટાબાજીની વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ જો નકલી કોર્ટ ઓર્ડરનો ઉપયોગ કરીને કોઈ પણ વેબસાઇટ બ્લોક કરાવી શકાય તો ભવિષ્યમાં સમાચાર પોર્ટલ, વ્યવસાયિક વેબસાઇટ્સ અથવા અન્ય કાયદેસર પ્લેટફોર્મ પણ જોખમમાં આવી શકે છે. વિપક્ષી નેતા સાકેત ગોખલેએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સવાલ ઉઠાવ્યો હતો કે મંત્રાલયે કથિત કોર્ટના આદેશની ખરાઈ કરવાની તસ્દી પણ કેમ ન લીધી. આ મામલે હવે તપાસનો મુખ્ય હેતુ નકલી દસ્તાવેજો બનાવનારાઓ સુધી પહોંચવાનો અને સરકારી પ્રક્રિયામાં રહેલી ખામીઓ શોધવાનો છે.













