કાશ્મીરમાં ફરી લોહિયાળ ખેલ! કુલગામમાં CRPF જવાનો પર બાઇક સવારોનું અંધાધૂંધ ફાયરિંગ, 3 જવાન ઘાયલ!

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા સતત ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનો વચ્ચે ફરી એકવાર સુરક્ષા જવાનોને નિશાન બનાવવાની કાયરતાપૂર્ણ ઘટના સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બપોરના સમયે નિયમિત નાકાબંધી અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આ અણધાર્યા હુમલામાં CRPFના 3 જવાનો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને હુમલાખોરોને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
CRPF દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 2:15 વાગ્યાની આસપાસ બની હતી. કુલગામ જિલ્લામાં એક સંવેદનશીલ ચેકપોસ્ટ (નાકા) પર જવાનો નિયમિત વાહન ચેકિંગ અને એરિયા ડોમિનેશનની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક મોટરસાઇકલ પર સવાર થઈને આવેલા અજાણ્યા હુમલાખોરોએ જવાનોને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ પળવારમાં ફાયરિંગ કર્યું અને જવાનો વળતો પ્રહાર કરે તે પહેલાં જ ઘટનાસ્થળેથી બાઇક ભગાવીને ફરાર થઈ ગયા હતા.
2 CRPF જવાનો ઇજાગ્રસ્ત, અનંતનાગ હોસ્પિટલમાં ખસેડાયા
હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં નાકા પર તૈનાત CRPFના 2 જવાનોને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતાં જ સાથી જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો અને ઇજાગ્રસ્ત જવાનોને તાબડતોબ પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકના અનંતનાગ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન અને તબીબોની ટીમ દ્વારા જવાનોની સારવાર કરવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સમગ્ર વિસ્તારની કિલ્લેબંધી અને હુમલાખોરોની શોધખોળ
હુમલાની ઘટના બાદ તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને ભારતીય સેનાની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરો જે દિશામાં ફરાર થયા હતા તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આસપાસના રસ્તાઓ, વાહનો અને શંકાસ્પદ સ્થળો પર નાકાબંધી વધુ સઘન બનાવી દેવામાં આવી છે જેથી હુમલાખોરો ભાગી ન છૂટે.














