Video: ધેમાજીમાં ‘ગાય તિહાર’ની ધામધૂમથી ઉજવણી

ધેમાજીમાં ‘ગાય તિહાર’ની ધામધૂમથી ઉજવણી
આસામના ગોરખા સમુદાયે પરંપરાગત રીત-રિવાજો સાથે કરી ગૌમાતાની પાવન આરાધના!
ગાયોને માળા પહેરાવી અને તિલક કરીને ગોરખા સમુદાયે વ્યક્ત કરી ભક્તિ!
આસામના ધેમાજી જિલ્લામાંથી ગોરખા સમુદાયની અનોખી સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા દર્શાવતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. તિહાર પર્વ એટલે કે ગોરખા સમુદાયની દિવાળી દરમિયાન અહીં ગાય તિહારની અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને પરંપરાગત વિધિ-વિધાન સાથે ઉજવણી કરવામાં આવી છે. આજના પાવન દિવસે સ્થાનિક ગોરખા સમુદાયના લોકોએ પોતાના ઘરોમાં અને ગોશાળાઓમાં રહેલી ગૌમાતાની વિશેષ પૂજા-અર્ચના કરીને સનાતન પરંપરાનો દિવ્ય સંદેશ આપ્યો હતો. ગાય તિહારના આ ખાસ અવસરે વહેલી સવારથી જ ગૌમાતાને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવીને કંકુ અને સિંદૂરનું તિલક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાયોના ગળામાં ગલગોટાના ફૂલોની સુંદર માળા પહેરાવીને તેમની આરતી ઉતારવામાં આવી હતી. ગોરખા સમાજમાં ગૌમાતાને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને તેથી જ આ દિવસે તેમને વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાક, ઘાસ અને મીઠાઈઓ અર્પણ કરીને આશીર્વાદ મેળવવાની પ્રાચીન પરંપરા આજે પણ અક્ષુણ્ણ જળવાયેલી છે.
ધેમાજીમાં ગાય તિહાર પર્વ નિમિત્તે છવાયો ભક્તિમય અને સાંસ્કૃતિક માહોલ!
ધેમાજીના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંથી સામે આવેલા દ્રસ્યોમાં જોઈ શકાય છે કે સૌ કોઈ આ તહેવારની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. મહિલાઓ અને બાળકો પરંપરાગત પોશાકો પહેરીને મંગળગીતો ગાઈ રહ્યા છે અને ગૌમાતા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ પર્વ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે માનવજાત અને પ્રકૃતિ તથા પશુધન વચ્ચેના અનન્ય સંબંધ અને પરસ્પરાવલંબનનું જીવંત ઉદાહરણ છે. આઝાદીના દાયકાઓ પછી પણ આસામમાં વસતો ગોરખા સમુદાય પોતાની પૂર્વજોની સાંસ્કૃતિક ધરોહર અને તહેવારોને મૂળ સ્વરૂપમાં જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ગાય તિહાર નિમિત્તે સમગ્ર ધેમાજી વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. આ પર્વના માધ્યમથી નવી પેઢીને પણ પોતાની સંસ્કૃતિ, પર્યાવરણ જતન અને પશુઓ પ્રત્યે દયાભાવ રાખવાના સંસ્કારો સહજ રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે. આસામના ધેમાજીમાં ઉજવાયેલો આ ‘ગાય તિહાર’ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિની સુંદર ઝાંખી કરાવે છે. પશુધન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતી ગોરખા સમુદાયની આ પાવન પરંપરા આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની રહી છે. સંસ્કૃતિ, શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રેમનો આ અનોખો સમન્વય આસામની ધરતી પર હંમેશા અમર રહેશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી














