Video: પ્રદૂષણ થયું તો આપમેળે શમી જશે, ચિંતા શેની?: દિવાળીમાં ફટાકડા મુદ્દે યોગી આદિત્યનાથનું નિવેદન

દિવાળીના તહેવાર પછી દર વર્ષે ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી જતી હોય છે. આ વર્ષે પણ દિલ્હી NCR સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ જતાં પ્રદૂષણને લઈને દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આવા ચિંતાજનક માહોલ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળી પર ફટાકડા ફોડવાના લોકોના નિર્ણયનો બચાવ કર્યો છે. એક જાહેર કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે લોકોએ ઉત્સાહપૂર્વક ફટાકડા ફોડીને બિલકુલ બરોબર જ કર્યું છે અને તહેવારના કારણે જો થોડું પ્રદૂષણ વધ્યું હોય તો તે આપમેળે શમી પણ જશે. પર્યાવરણની ચિંતા કરનારા વર્ગ પર આકરા પ્રહારો કરતા યોગીએ કહ્યું કે, જે લોકોએ પોતાના ભ્રષ્ટ આચરણથી આખી સિસ્ટમને પ્રદૂષિત કરી દીધી છે તેમને કોઈ સવાલ પૂછતું નથી. પરંતુ જો જનતા માત્ર 1 દિવસ ફટાકડા ફોડીને આતશબાજી સાથે ઉત્સવ મનાવે, તો અચાનક તે પ્રદૂષણનો મોટો મુદ્દો બની જાય છે.







