આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી! 112 બીમારીઓની સારવાર સરકારી હોસ્પિટલમાં જ થશે!

આયુષ્માન ભારત યોજના હેઠળ દેશભરમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે 112 બીમારીઓના પેકેજ અને ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
1 ડિસેમ્બરથી નવી યાદી લાગુ કરવાની તૈયારી
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA) દ્વારા અગાઉ 23 પેકેજો સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરવામાં આવ્યા હતા. હવે 1 ડિસેમ્બર સુધી અન્ય 89 પેકેજોને પણ આરક્ષિત કરવા માટે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય ઓથોરિટીને દિશા-નિર્દેશો મોકલવામાં આવ્યા છે. આ નવી સૂચિ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ કરવામાં આવશે. જોકે, કયા પેકેજો ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્યોના હાથમાં રહેશે.
કયા વિભાગોની બીમારીઓ છે સામેલ?
આ આરક્ષિત પેકેજોમાં સ્ત્રી રોગ (ગાયનેકોલોજી), સામાન્ય શસ્ત્રક્રિયા (જનરલ સર્જરી), માનસિક રોગ, જનરલ મેડિસીન, ઓર્થોપેડિક્સ, કાન-નાક-ગળા (ENT) અને નેત્ર રોગ વિભાગો સાથે જોડાયેલી બીમારીઓનો સમાવેશ થાય છે.
કઈ મુખ્ય સારવારો સરકારી હોસ્પિટલમાં મળશે?
આ 112 પેકેજોમાં ડે કેર સારવાર, શસ્ત્રક્રિયા (ઓપરેશન) અને અન્ય લાંબી બિમારીઓની સારવાર સામેલ છે. જેમાં હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લીવર ડિસીઝ, ગંભીર એનિમીયા (લોહીની ઊણપ), પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી (ડાયરિયા), બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, ગર્ભાશયનું ઓપરેશન (હિસ્ટ્રેક્ટમી), મોતિયાબિંદ, માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર), ચિંતા (એન્ઝાઈટી), હાડકાનું ફ્રેક્ચર અને ઈએનટી લગતી સારવારોનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે.
ખર્ચ ઘટાડવા અને સરકારી સુવિધાઓ મજબૂત કરવાનો હેતુ
નિષ્ણાતોના મતે, ખાનગી હોસ્પિટલો પર થતો ખર્ચ ઘટાડવા અને સરકારી હોસ્પિટલોની સુવિધાઓને મજબૂત કરીને દર્દીઓને સીધો લાભ પહોંચાડવાનો આ મુખ્ય હેતુ છે. અગાઉથી જ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતના અનેક રાજ્યોમાં આ વ્યવસ્થા આંશિક રીતે લાગુ કરવામાં આવી છે.







