"જ્ઞાનેશ કુમારને CEC પદ પરથી હટાવીને જેલમાં મોકલીશું, તેમના વિના મોદી PM ન બન્યા હોત," રામલીલા મેદાનમાં બોલ્યા રાહુલ ગાંધી

"જ્ઞાનેશ કુમારને CEC પદ પરથી હટાવીને જેલમાં મોકલીશું, તેમના વિના મોદી PM ન બન્યા હોત," રામલીલા મેદાનમાં બોલ્યા રાહુલ ગાંધી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઈન્ડિયા ગંઠબંધનની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના નેતા તેજસ્વી યાદવ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. રામલીલા મેદાનમાં આ રેલી પૂર્ણ થઈ ચૂકી છે.

રેલીમાં વિપક્ષી દળોના નેતાઓ અને કાર્યકર્તાઓનો મોટો કાફલો પહોંચ્યો હતો, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ વચ્ચે પોલીસ પણ એલર્ટ મોડમાં હતી. સમગ્ર દિલ્હી એક છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. કાર્યક્રમ સ્થળ પર 4 હજાર પોલીસ કર્મી, CRPFની ટુકડીઓ પણ હાજર રહી હતી.

જાહેરાત

જ્ઞાનેશ કુમાર જેલમાં જશે: રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં કહ્યું કે, "મારી વાત સાંભળો. હું જે કહું છું તે હંમેશા સાચું પડે છે, ખરું ને? હું ભારતના દરેક નાગરિક અને દરેક યુવાનને કહી રહ્યો છું: જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી હટાવી દેવામાં આવશે. જ્ઞાનેશ કુમાર જેલમાં જશે. જ્ઞાનેશ કુમાર વિના, ન તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શક્યા હોત, ન તો અમિત શાહ ગૃહમંત્રી બની શક્યા હોત."

તેમણે વધુમાં કહ્યું કે, "ખેડૂતને તેના અધિકારો મળી રહ્યા નથી. યુવાનોને રોજગારી મળી રહી નથી. મજૂરને તેના હક મળી રહ્યા નથી, અને સમગ્ર સંપત્તિ બે-ત્રણ લોકોના હાથમાં જતી રહી છે. અમને આવું ભારત જોઈતું નથી, અને અમે આવા ભારતને સ્વીકારીશું નહીં."

"અમને એવો દેશ નથી જોઈતો જે માત્ર બે કે ત્રણ લોકોનો હોય..."

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "શિવની બારાતમાં કોઈ પણ જોડાઈ શકે છે. દરેક જીવ તેમાં સામેલ થઈ શકે છે. શું કોઈને તેમાં ભાગ લેતા રોકી શકાય? ના. અમને આવું ભારત જોઈએ છે. જો ખેડૂત સખત મહેનત કરે, તો તેને તેનું ફળ મળવું જોઈએ. જો કોઈ વિદ્યાર્થી 18 કલાક અભ્યાસ કરે, તો તેને રોજગારી મળવી જોઈએ. અમને એવો દેશ નથી જોઈતો જે માત્ર બે કે ત્રણ લોકોનો હોય. દેશને ફરીથી સાચા માર્ગ પર લાવવા માટેનું પહેલું પગલું જ્ઞાનેશ કુમારને હટાવવાનું છે."

"જ્ઞાનેશ કુમાર પછી, અમે તમારી બરાબર સામે આવીને ઊભા રહીશું"

તેઓ બોલ્યા કે, "અમિત શાહજીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ક્યાંય જવાના નથી. હું તમને તેનાથી વિપરીત કહું છું: નરેન્દ્ર મોદી ક્યાંય જઈ જ શકતા નથી. જો તેઓ જવા માંગતા હોય તો પણ, અમે તેમને જવા નહીં દઈએ. જ્ઞાનેશ કુમાર પછી, અમે તમારી બરાબર સામે આવીને ઊભા રહીશું. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

"મારા માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમાર દુશ્મન નથી"

રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમાર પ્રત્યે નફરત રાખતા નથી. અમે એવા લોકો છીએ જે નફરતની નહીં, પણ પ્રેમની દુકાન ખોલે છે. અમે અહિંસામાં માનનારા લોકો છીએ. મારા માટે કોઈ દુશ્મન નથી - નરેન્દ્ર મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમાર - કોઈ પણ નહીં. પરંતુ, ભારતના દરેક નાગરિકનો અવાજ મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે, ધર્મ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ. એ જ મારો ધર્મ છે. અમે હિંસાનો આશરો નહીં લઈએ, કોઈને નુકસાન નહીં પહોંચાડીએ અને નફરત પણ નહીં ફેલાવીએ. અમે પ્રેમથી કામ કરીશું. પરંતુ, અમે તમને બંધારણનો નાશ કરવા નહીં દઈએ. ગમે તે થાય, અમે આવું થવા નહીં દઈએ."

 આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, "અમારો ધર્મ કહે છે કે કોઈ દુશ્મન નથી. આપણે કોઈની પણ સાથે નફરત ન કરવી જોઈએ. આપણે દરેક વ્યક્તિ પાસેથી શીખવું જોઈએ અને પ્રેમથી કામ કરવું જોઈએ. આપણે દરેક વ્યક્તિના અવાજનું રક્ષણ કરવું જોઈએ, પછી ભલે તે હરોળમાં સૌથી છેલ્લે ઊભેલી વ્યક્તિ હોય, પછી તે હિન્દુ, મુસ્લિમ, શીખ, આદિવાસી, દલિત, મહિલા કે દિવ્યાંગ વ્યક્તિ હોય. આપણે સૌનું રક્ષણ કરવાનું છે. પ્રેમની દુકાન ખુલવા જઈ રહી છે, અને આ દેશ ફરી એકવાર સાચા માર્ગ પર ચાલવા જઈ રહ્યો છે."

તેમણે વધુમાં કહ્યું કે, "હું તમને કહું છું કે, બિચારા જ્ઞાનેશ કુમાર રાત્રે સૂઈ શકતા નથી. મને દુઃખ થાય છે કે જ્ઞાનેશ કુમાર ડરેલા છે અને રાત્રે સૂઈ શકતા નથી. પરંતુ તેમણે સૌથી મોટો ગુનો કર્યો છે. રાષ્ટ્રના અવાજ અને આત્માને દબાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, અમે નફરત કે દુશ્મનાવટ રાખનારા લોકો નથી. અમે પ્રેમમાં માનનારા લોકો છીએ. અમે આ દેશમાં ફરીથી પ્રેમ અને ભાઈચારો પાછો લાવવા માંગીએ છીએ. આ વિરોધ પ્રદર્શન કોઈ એક પક્ષ કે નેતાનું નથી. આ એક સંયુક્ત વિરોધ છે. આ ભારતનો વિરોધ છે, ભારતનો અવાજ છે."

ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રામલીલા મેદાનના મંચ પરથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, વિપક્ષ જ્ઞાનેશ કુમારને બચવા નહીં દે અને જ્યાં સુધી તેમને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આરામ કરશે નહીં. ખડગેએ આરોપ લગાવ્યો કે, આ સરકાર ચોરોની સરકાર છે અને તેને હટાવું જ જોઈએ. 

તેમણે એવો પણ દાવો કર્યો કે પીએમ મોદી અને અમિત શાહ જ્ઞાનેશ કુમારનું રક્ષણ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે "મોદી હટાવો, લોકશાહી બચાવો" ના નારા લગાવ્યા. કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું, "બિહાર, યુપી અને મહારાષ્ટ્રમાં ચોરોની સરકારો છે. જ્યાં સુધી ભાજપને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંત નહીં રહીએ. પીએમ મોદી અમને ડરાવવા માટે ED જેવી સરકારી એજન્સીઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમે ડરીશું નહીં કારણ કે અમે બધા લડવાનું જાણીએ છીએ."

"જો મોદી જશે તો જ લોકશાહી ટકી શકશે"

વધુમાં ખડગેએ રામલીલા મેદાનમાં કહ્યું કે, વર્તમાન કેન્દ્ર સરકાર, તેમજ મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશની સરકારો - આ તમામ સરકારો મત ચોરી કરીને બનેલી સરકારો છે. આપણે આ ચોરોને સત્તા પરથી હટાવવા પડશે. જો મોદી જશે તો જ લોકશાહી ટકી શકશે. લોકશાહીને બચાવવા માટે આપણે મોદીને હટાવવા જ પડશે."

"મત ચોરનારાઓ માટે એક 'મહાભારત'નું આયોજન"

દિલ્હીમાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, "રામલીલા મેદાન પર પરંપરાગત રીતે રામાયણનું મંચન થતું હોય છે, પરંતુ આજે અમે અહીં મત ચોરનારાઓ માટે એક 'મહાભારત'નું આયોજન કર્યું છે. મહાભારતમાં શકુનિએ જે રમત રમી હતી, તેના વિશે તમે સૌ જાણો જ છો. તમને તમારો ઇતિહાસ ખબર છે: મહાભારત રણમેદાનમાં નહીં, પરંતુ પાસાની રમતથી શરૂ થયું હતું. અને હવે જ્યારે શકુનિ પોતાની રમત રમી રહ્યો છે, ત્યારે અમારે પણ આ લડાઈ લડવી પડી રહી છે..."

"2027માં એવી વિદાય આપવામાં આવશે કે..."

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે દિલ્હીની રેલીમાં કહ્યું કે, "જેઓ એક સમયે યુપી (ઉત્તર પ્રદેશ) આવ્યા હતા, તેમને યુપીમાંથી જ બહાર કાઢી મૂકવામાં આવશે. યુપીના લોકો સ્વાગત કેવી રીતે કરવું અને વિદાય કેવી રીતે આપવી, તે સારી રીતે જાણે છે. 2027માં એવી વિદાય આપવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો ફરી ક્યારેય પાછા આવી શકશે નહીં."

ભાજપ સતત ષડયંત્રો રચી રહ્યું છે: અખિલેશ યાદવ

અખિલેશ યાદવે કહ્યું કે, "જેઓ પોતાને 'અંગદના પગ' (અટલ અને અડગ) હોવાનો દાવો કરતા હતા, તેમના પગ નીચેથી હવે જમીન જ સરકી ગઈ છે. કાશીની જનતાએ તેમને 'ડબલ ઝીરો' આપ્યો છે. આપણે સૌએ જોયું છે કે ભાજપ સતત ષડયંત્રો રચી રહ્યું છે, કારણ કે તેઓ જાણે છે કે જનતાની વચ્ચે રહીને તેઓ જીતી શકતા નથી. તેથી, તેમણે ચૂંટણી પંચના માધ્યમથી પોતાનો રસ્તો પસંદ કર્યો છે."

"સંયુક્ત વિપક્ષ ચોક્કસપણે દેશ પર શાસન કરશે"

રામલીલા મેદાન ખાતે 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનની મેગા રેલી પર કોંગ્રેસ નેતા દીપા દાસમુન્સીએ કહ્યું કે, "વિપક્ષ એકજૂટ છે. આ સંયુક્ત વિપક્ષ ચોક્કસપણે દેશ પર શાસન કરશે અને જેઓ મત ચોરીમાં સામેલ હતા, તેઓ જેલના સળિયા પાછળ હશે."

અમે રાજકારણના માધ્યમથી બદલો લઈશું: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રામલીલા મેદાનમાં કહ્યું કે, "બંગાળ આ સંજોગોનો ભોગ બન્યું છે. અમે હાર નહીં માનીએ. અમે પ્રાણ આપી દઈશું, અમે લડીશું, પણ અમે શરણાગતિ નહીં સ્વીકારીએ. તેમણે આપણા બંગાળને લૂંટી લીધું છે. અમે લોકશાહીને બચાવીશું અને તેને પુનઃસ્થાપિત કરીશું. અમે રાજકારણના માધ્યમથી બદલો લઈશું. અમે લોકશાહીના માધ્યમથી બદલો લઈશું. અમે લડીશું."

"ભાજપ પાસે પોતાનું કોઈ સંગઠન નથી"

મમતા બેનર્જીએ કહ્યું કે, "તેમણે શું નથી લૂંટ્યું? તેમણે રામ જન્મભૂમિના નાણાં લૂંટ્યા, વક્ફની મિલકતો લૂંટી. પોલીસ તેમના સાથી થઈ ગઈ છે. ભાજપ પાસે પોતાનું કોઈ સંગઠન નથી. તેથી જ તેઓ પોલીસ પાસે પક્ષનું કામ કરાવે છે. એજન્સીઓ ભાજપ સાથે મળીને કામ કરતી નથી. ભાજપ જશે."

"હું ભાજપ અને આરએસએસને કહેવા માંગુ છું..."

જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ રામલીલા મેદાન ખાતે કહ્યું કે, "જમ્મુ અને કાશ્મીર ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. તેઓ તેને અલગ કરી શકશે નહીં. આ લોકો મુસ્લિમો પર આંગળી ચીંધે છે અને તેમને પાકિસ્તાની કહે છે. હું ભાજપ અને આરએસએસને કહેવા માંગુ છું: અમે ભારત માટે અમારું લોહી આપ્યું છે. અમે ભૂતકાળમાં આપ્યું હતું, આજે પણ આપીએ છીએ અને કાલે પણ આપીશું. આ આંબેડકરનું બંધારણ છે. આ ભારતનું બંધારણ છે. આપણે બધા સમાન છીએ, અને દરેકને સમાન મત છે."

"નહીંતર તેઓ સમગ્ર દેશને જમ્મુ-કાશ્મીર જેવો બનાવી દેશે"

PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ દિલ્હીની રેલીમાં કહ્યું કે, "જે બંધારણે તમને સરકાર બદલવાનો, સરકારને સત્તા પરથી હટાવવાનો અને નવી સરકાર રચવાનો, મત આપવાનો અધિકાર આપ્યો છે, તેઓ (ભાજપ) તમારી પાસેથી એ જ અધિકાર છીનવી લેવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના લોકો તરીકે અમારી તો બરબાદી થઈ જ ગઈ છે. 2019માં તેમણે ત્યાંના બંધારણને નષ્ટ કરી દીધું હતું. પરંતુ હવે તમારે પોતાની જાતને બચાવવી પડશે, નહીંતર તેઓ સમગ્ર દેશને જમ્મુ-કાશ્મીર જેવો બનાવી દેશે. અમે તમારી સાથે છીએ. ખભે ખભા મિલાવીને, અમે તમારા સંઘર્ષમાં તમારી સાથે ઊભા છીએ."

અપડેટ્સ

લાઇવ અપડેટ્સ લોડ થઈ રહ્યા છે…

આ સમાચાર શેર કરો

જાહેરાત