NCPના બંને જૂથના વિલય પર સસ્પેન્સ વધ્યું, સુનેત્રા પવાર બોલ્યાં- સમય આવશે ત્યારે બધું જાણી જશો

NCPના બંને જૂથના વિલય પર સસ્પેન્સ વધ્યું, સુનેત્રા પવાર બોલ્યાં- સમય આવશે ત્યારે બધું જાણી જશો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથના વિલયને લઈને ફરી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. NCPનાં અધ્યક્ષ અને મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે આ મુદ્દે સંકેત આપતાં કહ્યું છે કે, 'સમય આવશે ત્યારે તમને બધું જાણી જવા મળશે.' તેમના આ નિવેદન બાદ શરદ પવાર અને અજિત પવાર જૂથ ફરી એક થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે, બંને જૂથના વિલય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સુનેત્રા પવારે સીધો જવાબ આપવાનું ટાળ્યું

બુધવારે સવારે બારામતીમાં પત્રકાર પરિષદ દરમિયાન સુનેત્રા પવારને NCPના બંને જૂથના વિલય અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કોઈ સ્પષ્ટ માહિતી આપવાને બદલે કહ્યું કે, 'જેમ સમય આવશે, તેમ તમને બધી વાતો જાણવા મળી જશે.' તેમના આ ટૂંકા નિવેદનને રાજકીય વર્તુળોમાં મહત્ત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બંને જૂથના વિલય અંગે અલગ-અલગ નેતાઓનાં નિવેદનો સામે આવી રહ્યાં છે. ખાસ કરીને અજિત પવારના નિધન બાદ બંને જૂથના રાજકીય ભવિષ્ય અંગે અનેક સવાલો ઊભા થયા છે.

જાહેરાત

શરદ પવારે પ્રફુલ્લ પટેલને બેઠક માટે કહ્યું હતું

વિલયની ચર્ચાઓને ત્યારે વધુ વેગ મળ્યો હતો, જ્યારે અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. શરદ પવાર ગયા અઠવાડિયે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે દરમિયાન પ્રફુલ્લ પટેલ તેમની ખબર પૂછવા પહોંચ્યા હતા. મુલાકાત બાદ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે શરદ પવારે તેમને 10 તારીખ પછી સાથે બેસીને ચર્ચા કરવાની વાત કહી હતી. આ નિવેદન બાદ દિવાળી પછી બંને જૂથના વિલય અંગે વાતચીત આગળ વધી શકે છે તેવી અટકળો શરૂ થઈ હતી.

સુનીલ તટકરેએ પણ ચર્ચાની કરી હતી કબૂલાત

અજિત પવાર જૂથના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ પણ તાજેતરમાં બંને જૂથના વિલય અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અજિત પવાર જીવિત હતા ત્યારે બંને રાષ્ટ્રવાદી કોંગ્રેસ જૂથો વચ્ચે વિલયને લઈને વિસ્તૃત ચર્ચા થઈ હતી. પ્રફુલ્લ પટેલ અને શરદ પવારની મુલાકાત, સુનીલ તટકરેનું નિવેદન અને હવે સુનેત્રા પવારની પ્રતિક્રિયાએ વિલયના મુદ્દાને ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. જોકે, વિલય ક્યારે થશે કે બંને જૂથો ખરેખર એક થશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. હવે સૌની નજર આગામી બેઠક અને બંને જૂથના વરિષ્ઠ નેતાઓના નિર્ણય પર ટકેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત