Video: 'દિવાળીને બીમારી કહેનારા રસ્તા પર નમાઝનું સમર્થન કરે છે': ઈમરાન મસૂદના નિવેદન પર ભડકી ભાજપ, ગાંધી પરિવાર પર કર્યા આકરા પ્રહાર!

સોર્સ: gstv

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અને દિવાળીના તહેવારને લઈને કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદના એક કથિત નિવેદને દેશભરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. મીડિયા અહેવાલો મુજબ, ઈમરાન મસૂદે જણાવ્યું હતું કે "દિવાળી હોય કે પ્રદૂષણ, તે માનવસર્જિત બીમારી છે." આ નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસ પક્ષ અને ગાંધી પરિવાર વિરુદ્ધ આકરો મોરચો ખોલી દીધો છે.

"રસ્તા પર નમાઝનું સમર્થન અને દિવાળીને બીમારી કહે છે"

જાહેરાત

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ઈમરાન મસૂદના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "જે લોકો વોટબેંકની ગંદી રાજનીતિથી પ્રેરિત છે, તેઓ વારંવાર સનાતન ધર્મ અને હિન્દુ આસ્થાઓનું અપમાન કરે છે. આ એવા લોકો છે જે રસ્તાઓ પર નમાઝ પઢવાનું સમર્થન કરે છે, પરંતુ હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળીને બીમારી ગણાવે છે. આ માત્ર ઈમરાન મસૂદના અંગત વિચારો નથી, પરંતુ કોંગ્રેસ પક્ષ અને ગાંધી-વાડ્રા પરિવારની મૂળ વિચારસરણીને છતી કરે છે."

જૂના વિવાદો યાદ અપાવી કોંગ્રેસને ઘેરી

ભાજપના પ્રવક્તાએ ગાંધી પરિવાર અને ઈમરાન મસૂદના ભૂતકાળના નિવેદનોનો હવાલો આપતાં પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, આ એ જ નેતાઓ છે જેમણે અગાઉ હિન્દુઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને હિન્દુઓની સરખામણી આતંકવાદીઓ સાથે કરી હતી. આ ઉપરાંત, બટલા હાઉસ એન્કાઉન્ટર પર આંસુ વહાવનારા અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાને આરએસએસનું કાવતરું ગણાવનારા લોકો જ આજે સનાતન ધર્મ સામે ઝેર ઓકી રહ્યા છે.

"બંધારણીય મૂલ્યો માટે વોટબેંકની રાજનીતિ મોટો ખતરો"

પ્રદીપ ભંડારીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી આવી સાંપ્રદાયિક અને તુષ્ટિકરણ આધારિત વોટબેંકની રાજનીતિ દેશના બંધારણીય મૂલ્યો માટે એક ગંભીર ખતરો છે. તેમણે કહ્યું કે દેશની જનતાએ આ તુષ્ટિકરણની નીતિને ઓળખી લીધી છે અને એટલે જ ૨૦૧૪, ૨૦૧૯ તેમજ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને સદંતર નકારી કાઢી છે અને ભવિષ્યની ચૂંટણીઓમાં પણ જનતા તેમને આ જ રીતે જાકારો આપશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત