ગેરકાયદે રસ્તે જતાં 3 ઓઈલ ટેન્કરો પર ભીષણ હુમલો, ઈરાની સેનાનો મોટો એટેક

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા ભારે રાજકીય અને લશ્કરી તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. હોર્મુઝની સમુદ્રી સીમામાંથી પસાર થઈ રહેલા ત્રણ મોટા ઓઈલ ટેન્કરોમાં એકપછી એક ભયાનક વિસ્ફોટો થતાં ત્રણેય જહાજો ભડભડ કરીને બળી ખાખ થઈ ગયા છે. ઈરાને દાવો કર્યો છે કે આ જહાજો તમામ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરીને અનધિકૃત અને ગેરકાયદેસર માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી તેમનો આ જ અંજામ થયો છે.
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની સત્તાવાર સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ટેન્કરોએ હોર્મુઝ પાર કરતી વખતે પોતાના તમામ નેવિગેશન અને આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. જેમાંથી બે જહાજો સમુદ્રી માઈન્સ (બારૂદી સુરંગો)ની ચપેટમાં આવી જતાં ધમાકા સાથે ફાટી પડ્યા હતા. જ્યારે ત્રીજું ટેન્કર અમેરિકન લડાયક વિમાનોની મદદથી ચોરીછૂપીથી રસ્તો કાપવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તે પણ જળચર સુરંગ સાથે અથડાતાં તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
આ વિસ્ફોટો બાદ ઈરાની નૌસેના અને IRGCએ ખુલ્લી ચેતવણી ઉચ્ચારી છે કે હોર્મુઝ ક્ષેત્રમાં કોઈપણ 'અનધિકૃત' માર્ગ અત્યંત અસુરક્ષિત છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન સૈન્યના સહયોગથી ગેરકાયદેસર રીતે પસાર થવા માંગતા તમામ જહાજો સામે આવી જ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધના માહોલ બાદ ઈરાને હોર્મુઝ પર પોતાની પકડ કડક બનાવી દીધી છે અને વિરોધી દેશોના જહાજો માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.







