Video: શહીદ સૈનિકોની કબર પર હસતાં અમેરિકાના સંરક્ષણ મંત્રીને આર્મીના જવાનોએ ખખડાવ્યા

અમેરિકામાં વેટરન્સ ડેના કાર્યક્રમ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથને એક સૈનિકે જાહેરમાં ઝાટકણી કાઢી હતી. આ ઘટના અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીમાં આવેલી 'ટોમ્બ ઓફ ધ અનનોન સોલ્જર' એટલે કે અજાણ્યા સૈનિકની સમાધિ પાસે બની હતી. સમાધિ નજીક હસવા અને વાતો કરવાના અવાજો સાંભળ્યા બાદ સૈનિકે તમામ મુલાકાતીઓને શાંતિ અને સન્માન જાળવવા તાકીદ કરી હતી.
વાઇરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાયેલા વેટરન્સ ડેના કાર્યક્રમ બાદ પીટ હેગસેથ અને તેમની સાથેના લોકો સમાધિ પાસે તસવીરો પડાવતા જોવા મળે છે. આ દરમિયાન હસવા અને વાતચીતના અવાજો આવતાં અમેરિકન સેનાના ગાર્ડે બૂમ પાડીને કહ્યું હતું કે, "તમામ મુલાકાતીઓએ હંમેશાં શાંતિ અને સન્માનનું વાતાવરણ જાળવવું જોઈએ."
શું છે અજાણ્યા સૈનિકની સમાધિનું મહત્ત્વ?
'ટોમ્બ ઓફ ધ અનનોન સોલ્જર' અમેરિકાનું અત્યંત પવિત્ર સ્મારક છે. અહીં પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ અને કોરિયન યુદ્ધમાં શહીદ થયેલા અજાણ્યા અમેરિકન સૈનિકોને સન્માન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિયેતનામ યુદ્ધમાં દેશની સેવા દરમિયાન ગુમ થયેલા અથવા શહીદ થયેલા સૈનિકના સન્માનમાં એક ખાલી સમાધિ પણ બનાવવામાં આવી છે.
પેન્ટાગોને શું કહ્યું?
અહેવાલ મુજબ, હેગસેથ સાથે તેમની પત્ની જેનિફર, ચીફ ઓફ સ્ટાફ રિકી બુરિયા, ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ પેટ્રિક વીવર અને સિનિયર એડવાઇઝર ટેમી રાડાબૉગ પણ તસવીરો પડાવી રહ્યાં હતાં. આ મામલે પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા શોન પાર્નેલે જણાવ્યું હતું કે હેગસેથ અને તેમનો વિભાગ સૈનિકોના બલિદાનનું હંમેશાં સન્માન કરે છે. તેમણે કહ્યું કે આ ગંભીર દિવસની યાદમાં એક સૈનિકે યોગ્ય રીતે સૌને મર્યાદા અને સન્માન જાળવવાની યાદ અપાવી હતી.
ડેમોક્રેટ્સે હેગસેથ પર સાધ્યું નિશાન
આ ઘટનાને પગલે વિપક્ષી ડેમોક્રેટ્સે પણ રક્ષામંત્રી પર નિશાન સાધ્યું હતું. વિસ્કોન્સિનનાં કોંગ્રેસવુમન ગ્વેન મૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે પીટ હેગસેથ સતત સાબિત કરી રહ્યા છે કે તેઓ પોતાના પદ માટે યોગ્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે મહાભિયોગથી માંડ બચ્યાના બીજા જ દિવસે અજાણ્યા સૈનિકની સમાધિની પવિત્રતાનો અનાદર કરીને તેમણે સૈનિકો પ્રત્યેની પોતાની અવગણના દર્શાવી છે.











