રેલવેના બે મોટા નિર્ણય! અમદાવાદથી બિહાર માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, આ ટ્રેનનું ઘટશે ભાડું

રેલવેના બે મોટા નિર્ણય! અમદાવાદથી બિહાર માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, આ ટ્રેનનું ઘટશે ભાડું
તસવીર: AI
આ સમાચાર સાંભળો

દિવાળી અને છઠ્ઠ પૂજા બાદ પણ બિહાર તરફ જતી ટ્રેનોમાં પેસેન્જરોની ભીડ યથાવત્ છે. બીજી તરફ, લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી હોવાથી વતન જવા ઈચ્છતા લોકોની સંખ્યા વધી રહી છે. તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડના કારણે જે પેસેન્જરો વતન જઈ શક્યા નથી, તેમને હવે મુસાફરીની તક મળી રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મધુબની વચ્ચે 15 નવેમ્બરના રોજ વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે.

ટ્રેન નંબર 09431 અમદાવાદ-મધુબની વન-વે સ્પેશિયલ 15 નવેમ્બર, રવિવારે સવારે 10:10 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને મંગળવારે રાત્રે 1:40 વાગ્યે મધુબની પહોંચશે.

જાહેરાત

આ સ્ટેશનો પર ઉભી રહેશે રેલવે

આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર રોકાશે.

સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ શરૂ

ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રાખવામાં આવશે. ટ્રેનની ટિકિટનું બુકિંગ 14 નવેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ કરી દેવાયું છે.

12 જાન્યુઆરીથી વડોદરા-જામનગર ઈન્ટરસિટીનું ભાડું ઘટશે, ટ્રેન નંબર પણ બદલાશે

વડોદરા-જામનગર અને જામનગર-વડોદરા વચ્ચે દોડતી ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરતા પેસેન્જરોને હવે ટિકિટના ભાડામાં રાહત મળશે. રેલવે મંત્રાલય દ્વારા બંને ટ્રેનોને સુપરફાસ્ટ કેટેગરીમાંથી એક્સપ્રેસ કેટેગરીમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયના પગલે 12 જાન્યુઆરી, 2027થી બંને ટ્રેનોના નંબર બદલાશે અને સુપરફાસ્ટ સરચાર્જ દૂર થતાં પેસેન્જરોને ભાડામાં ઘટાડાનો લાભ મળશે. લાગુ ભાડાના માળખા મુજબ સેકન્ડ સિટિંગમાં પ્રતિ પેસેન્જર 15 રૂપિયા અને એસી ચેરકારમાં 45 રૂપિયાની બચત થઈ શકે છે.

ટ્રેનના નામ અને સમયમાં ફેરફાર

ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો નવો નંબર 19059 થશે. આ ટ્રેન હવે વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડશે. તેના જામનગર પહોંચવાના સમયમાં પણ 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં રાત્રે 11:30 વાગ્યે જામનગર પહોંચતી આ ટ્રેન હવે રાત્રે 11:40 વાગ્યે પહોંચશે.

બીજી તરફ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો નવો નંબર 19060 થશે. આ ટ્રેન હવે જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડશે. આ ટ્રેનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત