મોટા સમાચાર: હવે સરકારી કામો માટે આધાર કાર્ડ જરૂરી નહીં! સરકારે બદલ્યો નિયમ, જાણો કયા વૈકલ્પિક ડોક્યુમેન્ટ્સ રહેશે માન્ય

દિલ્હી સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવતા નાગરિકોને મોટી રાહત મળશે. હવે સરકારી કામો માટે માત્ર આધાર કાર્ડ પર જ આધાર રાખવો પડશે નહીં, પરંતુ અન્ય દસ્તાવેજો દ્વારા પણ ઓળખ સાબિત કરી શકાશે.
વૈકલ્પિક ઓળખપત્રો પણ રહેશે માન્ય
દિલ્હી સરકારના નવા નોટિફિકેશન મુજબ, જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ નથી અથવા ટેક્નિકલ કારણોસર તેનું ઓનલાઈન વેરિફિકેશન નથી થઈ શકતું, તો તેને સરકારી સેવાથી વંચિત રાખવામાં આવશે નહીં. આ સ્થિતિમાં નાગરિકો વોટર આઈડી કાર્ડ (મતદાર ઓળખ પત્ર), ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ અન્ય કોઈપણ ફોટો આઈડી પ્રૂફનો ઉપયોગ કરીને પોતાની ઓળખ સાબિત કરી શકશે.
આધાર વેરિફિકેશન રહેશે સંપૂર્ણપણે સ્વેચ્છિક
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ સિસ્ટમમાં આધાર ઓથેન્ટિકેશન (પ્રમાણીકરણ) સંપૂર્ણપણે સ્વેચ્છિક રહેશે. કોઈપણ નાગરિકની પૂર્વ સંમતિ લીધા વગર તેનું આધાર વેરિફિકેશન કરી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ આધાર વેરિફિકેશન કરાવવા માંગતી ન હોય, તો પણ તેને અન્ય માન્ય ઓળખપત્રોના માધ્યમથી સરકારી યોજનાઓનો લાભ મેળવવાની તક મળશે.
UCDP પ્લેટફોર્મ અને ગેરરીતિઓ અટકાવવાનો હેતુ
દિલ્હી સરકારના IT વિભાગ દ્વારા આ વ્યવસ્થાને 'યુનિફાઇડ સિટિઝન ડેટા પ્લેટફોર્મ' (UCDP) અંતર્ગત લાગુ કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ માધ્યમથી સુશાસનને પ્રોત્સાહન આપવાનો, સરકારી સેવાઓ સુધી લોકોની પહોંચ સરળ બનાવવાનો અને સામાજિક કલ્યાણ યોજનાઓમાં થતી ગેરરીતિઓ તથા ભ્રષ્ટાચારને અટકાવવાનો છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને જ સૌથી મહત્ત્વનો દસ્તાવેજ ગણાવતા એની સાથે વિવિધ ડૉક્યુમેન્ટ લિન્ક કરવાના નામે અનેકવાર નાગરિકોને લાઈનોમાં લગાવાયા પણ હવે દિલ્હીથી ભાજપ સરકારે જાણે શરૂઆત કરી દીધી હોય તે રીતે આધારકાર્ડની કોઈ વેલ્યૂ ના રહે તેવો નિર્ણય કરી લીધો છે અને સરકારી યોજનાઓના લાભ માટે અન્ય દસ્તાવેજોને પણ માન્ય રાખી લેવાનો નિર્ણય લીધો છે.











