Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉભુ થયું નવુ નજરાણું

નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક પ્રવાસીઓને રિવર ટુરિઝમનો વિશેષ અનુભવ થશે.. આ માટે નર્મદા નદી પર રૂપિયા 16 કરોડના ખર્ચે એકતા ક્રૂઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી અને 360 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ ક્રૂઝ અત્યાધુનિક સુવિધા સાથે સજ્જ છે. પ્રવાસીઓની સુરક્ષા માટે ક્રૂઝમાં આધુનિક સેફ્ટી સિસ્ટમ અને ફાયર સેફ્ટીની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ક્રૂઝમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, લાઇવ મ્યુઝિક સિસ્ટમ તથા ભોજન અને અલ્પાહાર માટે ખાસ કેટરિંગ અને ડાઇનિંગની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. તેમાં વિવિધ સાર્વજનિક કાર્યક્રમો, ઉત્સવો, ઉજવણીઓ અને મનોરંજક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન પણ કરી શકાશે. આ અનોખા આકર્ષણથી નર્મદા રિવરફ્રન્ટનો વધુ સારો ઉપયોગ થશે અને રિવર ટુરિઝમને મોટું પ્રોત્સાહન મળશે. પરિણામે સ્થાનિક સ્તરે આવકની નવી તકો ઊભી થશે અને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ તરીકે એકતાનગરની ઓળખ વધુ મજબૂત બનશે.







