કુંવરજી બાવળિયાની ટિકિટના દાવા સામે કોળી સમાજમાં ભડકો, નિવૃત્તિ લઈ લેવા ઉઠી માંગ

ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તે પહેલાં જ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ બાવળિયાની આગામી ચૂંટણીની ટિકિટ અને મંત્રીપદ અંગે મોટો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. જોકે, આ નિવેદન બાદ હવે ખુદ કોળી સમાજમાંથી જ કુંવરજી બાવળિયા સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે.
દેવજી ફતેપરાનો દાવો અને કટાક્ષ
જસદણ બેઠક પર ભાજપના આંતરિક જૂથવાદ વચ્ચે યોજાયેલા કોળી સમાજના શક્તિપ્રદર્શનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, અમારા સમાજમાંથી આવા નેતા ક્યારેય આવ્યા નથી અને કુંવરજી બાવળિયા જ આગામી વિધાનસભા ચૂંટણી લડશે અને ફરી મંત્રી પણ બનશે. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, એવા ઘણા લોકો છે જે સરપંચ બનવાને લાયક પણ નથી અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટો માંગી રહ્યા છે.
કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીનો આકરો પલટવાર
દેવજી ફતેપરાના આ નિવેદન બાદ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જસદણમાં યોજાયેલું સ્નેહમિલન સંમેલન સંપૂર્ણપણે રાજકીય બની ગયું હતું અને તેને સમાજ સાથે કોઈ લેવાદેવા નથી. પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયા સામે નિશાન સાધતા કહ્યું કે, તેમણે હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ, કારણ કે દેશ હવે યુવાનોના હાથમાં જઈ રહ્યો છે અને ભાજપ પણ હવે 'જેન-ઝી' (Gen-Z) એટલે કે યુવા નેતાઓને ટિકિટ આપવામાં રસ દાખવી રહ્યો છે.
7 વર્ષે પણ વિદ્યાર્થી ભવન ન બન્યાનો આરોપ
પ્રવીણ કોળીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કુંવરજી બાવળિયા માત્ર સમાજના નામે રાજકારણ કરીને ચૂંટણી લડે છે, પરંતુ સમાજને આપેલા વાયદાઓ પૂર્ણ કરતા નથી. તેમણે યાદ અપાવ્યું હતું કે કોળી સમાજનું વિદ્યાર્થી ભવન બનાવવાનો વાયદો કરાયો હોવા છતાં સાત વર્ષ વીતી ગયા પછી પણ તે બન્યું નથી. આ સાથે જ તેમણે તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઈનલ હોવાનો દાવો કર્યો હતો. હાલ દેવજી ફતેપરાના નિવેદન અને બાવળિયાની ઉમેદવારીના દાવાને લઈને કોળી સમાજમાં જ બે ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.










