દિલ્હીમાં AQI 450 તો ચંદીગઢમાં 102! પ્રદૂષણથી કંટાળેલા મનીષ તિવારીએ કરી રાજધાની બદલવાની વાત

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ચંદીગઢને દેશની નવી રાજધાની બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. દિવાળી બાદ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર કટાક્ષ કરતાં તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "હું મજાકમાં મારા મિત્રોને કહું છું કે કદાચ આપણે દેશની રાજધાની ચંદીગઢ ખસેડી દેવી જોઈએ."
દિલ્હીના પ્રદૂષણથી કંટાળ્યા મનીષ તિવારી, ચંદીગઢને રાજધાની બનાવવાનું સૂચન
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ચંદીગઢમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "નવેમ્બર મહિનાની આ ખૂબ જ સુંદર સવાર છે. અહીંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 102 છે. ચંદીગઢના હિસાબે આ સ્તર બહુ સંતોષકારક નથી, પરંતુ દિલ્હીના 450 AQIની સરખામણીએ ઘણું સારું છે. હું ગઈકાલે સાંજે જ દિલ્હીથી અહીં આવ્યો છું. ખરેખર, હું મજાકમાં મારા મિત્રોને કહું છું કે કદાચ આપણે દેશની રાજધાની ચંદીગઢ ખસેડી દેવી જોઈએ. તેનાથી એક જ રાજધાનીને લઈને બે રાજ્યો વચ્ચે થતા ખેંચતાણના મુદ્દાનો પણ ઉકેલ આવી જશે."
પ્રદૂષણના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર કરી રહ્યો છે પ્રહાર
હકીકતમાં, દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે.
દિલ્હી સતત પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે મનીષ તિવારીનું આ નિવેદન સામે આવ્યું છે. દિવાળી બાદ છેલ્લા કેટલાંક વર્ષોથી દિલ્હીની હવા અત્યંત ઝેરી બની જાય છે અને શહેર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણ, કચરાની સમસ્યા અને ગંદા નાળામાં ફેરવાઈ ગયેલી યમુના નદીને ધ્યાનમાં રાખીને સિવિલ સોસાયટીના લોકોમાં પણ દેશની રાજધાની દિલ્હીમાંથી અન્ય કોઈ શહેરમાં ખસેડવા અથવા રાજધાની માટે નવું શહેર વસાવવાની ચર્ચા સમયાંતરે થતી રહે છે.
દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા સતત ગંભીર બની રહી છે
દિવાળી બાદ દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે. સમગ્ર શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. દિલ્હીમાં કુલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત 400ની આસપાસ નોંધાઈ રહ્યો છે.
આ ઇન્ડેક્સમાં PM2.5 (ફેફસાંને નુકસાન પહોંચાડતા અતિસૂક્ષ્મ કણો) સહિત અન્ય પ્રદૂષકોનું પ્રમાણ માપવામાં આવે છે. પ્રદૂષણનું આ સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતાં 25 ગણાથી પણ વધુ છે.
આટલા ઊંચા સ્તરના પ્રદૂષણના સંપર્કમાં આવવાથી ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ રહી છે. દિલ્હીની હવાની બગડતી સ્થિતિને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.















