ઘરમાં સોનું રાખનારાઓ માટે મોટા સમાચાર! "500 ગ્રામ સોનાની છૂટ છે" એ ભ્રમમાં ન રહેતા—સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો!

ભારતીય પરિવારોમાં સોના પ્રત્યેનો લગાવ જગજાહેર છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલી મર્યાદા મુજબ ઘરમાં સોનું રાખવામાં આવે, તો કોઈ પૂછપરછ કે કાર્યવાહી થતી નથી. પરંતુ, સુપ્રીમ કોર્ટે આ મામલે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સોનું રાખવાની છૂટ હોવા છતાં, તે સોનું ક્યાંથી આવ્યું એટલે કે તેની આવકનો સ્ત્રોત તો બતાવવો જ પડશે.
સોનું રાખવાની પાત્રતા અને સ્ત્રોતનો હિસાબ બંને અલગ બાબતો છે
સુપ્રીમ કોર્ટે આવકથી વધુ સંપત્તિના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે સોનું રાખવાની નિર્ધારિત મર્યાદાની અંદર હોવાનો અર્થ એ નથી કે આરોપીને તેના સ્ત્રોતનો હિસાબ આપવામાંથી મુક્તિ મળી જશે. કોર્ટે કહ્યું કે સોનું રાખવાની મંજૂરી આપતા સરકારી સર્ક્યુલર અને પ્રેસ રિલીઝ પોતાનામાં એ સાબિત કરતા નથી કે સંબંધિત સંપત્તિ કાયદેસરની આવકમાંથી અર્જિત કરવામાં આવી છે. આ ટિપ્પણી સાથે જ સુપ્રીમ કોર્ટે પટના હાઇકોર્ટનો આદેશ રદ કરી દીધો છે, જેના કારણે હવે બિહારની એક મહિલા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ ફરીથી ચાલશે.
શું છે આવકવેરા વિભાગ અને CBDTનો નિયમ?
આ સમગ્ર વિવાદના મૂળમાં આવકવેરા વિભાગનો 11 મે 1994 નો નિર્દેશ અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ(CBDT)ની 1 ડિસેમ્બર 2016ની પ્રેસ રિલીઝ છે, જેના મુજબ ઘરમાં સોનું રાખવાની મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.
- વિવાહિત મહિલા: 500 ગ્રામ
- અવિવાહિત મહિલા: 250 ગ્રામ
- પુરુષ: 100 ગ્રામ
શું હતો સમગ્ર મામલો? કેમ રદ થયો પટના હાઇકોર્ટનો આદેશ?
જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પલ્લીની બેન્ચે બિહાર સરકારની અપીલ સ્વીકારતા પટના હાઇકોર્ટનો આદેશ રદ કર્યો છે. 11 મે 2015: બિહારના વિજિલન્સ પોલીસ સ્ટેશનમાં ફૂલપરી કુમારી અને તેમના પતિ વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ રાખવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી હતી. 29 જુલાઈ 2020: તપાસ બાદ માત્ર ફૂલપરી કુમારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી. 28 જાન્યુઆરી 2021: પટનાની વિશેષ વિજિલન્સ અદાલતે આ મામલે સંજ્ઞાન લીધું.
મહિલાએ પટના હાઇકોર્ટમાં નીચલી અદાલતના સંજ્ઞાનના આદેશને પડકાર્યો હતો. તેમની દલીલ હતી કે આવકવેરા વિભાગ અને CBDTના નિયમો મુજબ તેમની પાસે નિર્ધારિત મર્યાદાથી વધુ સોનું નહોતું, તેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય નહીં. પટના હાઇકોર્ટે આ દલીલ સ્વીકારતા કહ્યું હતું કે મહિલા પાસે 750 ગ્રામથી વધુ સોનું નથી અને વિજિલન્સ વિભાગે સોનાના વજન તથા સંપત્તિની ગણતરીમાં ભૂલ કરી છે. આ આધાર પર હાઇકોર્ટે 14 May 2026 ના રોજ મહિલા વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી હતી.
સંપત્તિ અંગેના આરોપોની સ્પષ્ટતા આપવી જ પડશે: સુપ્રીમ કોર્ટ
પટના હાઇકોર્ટના આ ચુકાદાને બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે સોનું રાખવાની પાત્રતા અને ભ્રષ્ટાચારના કેસમાં તે સોનાના સ્ત્રોતનો હિસાબ આપવો એ બે અલગ-અલગ બાબતો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પલ્લીની બેન્ચે 2 નવેમ્બરના રોજ આપેલા ચુકાદામાં રાજ્ય સરકારની દલીલ સ્વીકારતાં કહ્યું કે આવકથી વધુ સંપત્તિના કેસમાં આરોપીએ પોતાની સંપત્તિના સંબંધમાં લગાવવામાં આવેલા આરોપોની સ્પષ્ટતા આપવી પડે છે. માત્ર એવા સરકારી સર્ક્યુલર અને પ્રેસ રિલીઝ બતાવી દેવા, જેમાં એક ચોક્કસ માત્રા સુધી સોનું રાખવાની મંજૂરી આપવામાં આવી છે, તે સંબંધિત સંપત્તિના સ્ત્રોતનો હિસાબ આપવા બરાબર નથી.
બેન્ચે પટના હાઇકોર્ટના તર્કને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવતા 14 મે 2026નો તેનો આદેશ રદ કરી દીધો છે. આ સાથે જ 28 January 2021ના રોજ વિશેષ વિજિલન્સ અદાલત દ્વારા લેવામાં આવેલા સંજ્ઞાનને પુનઃસ્થાપિત (Restore) કરતાં નિર્દેશ આપ્યો છે કે કેસની કાર્યવાહી તે જ સ્તરથી આગળ વધશે. જોકે, સુપ્રીમ કોર્ટે મહિલાને કાયદા હેઠળ ટ્રાયલ કોર્ટમાં અન્ય કાયદાકીય દલીલો રજૂ કરવાની છૂટ આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે દલીલો પર નિર્ણય સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના લેવામાં આવશે.









