Video: એક દિવસની ઉજવણીથી આટલું પેટમાં કેમ બળે છે? ઝેરી ધુમ્મસ વચ્ચે ફટાકડા ફોડવા મુદ્દે ઉઠેલા સવાલો પર CM યોગીનો સણસણતો જવાબ

સોર્સ: gstv

દિવાળીના તહેવાર પછી દર વર્ષે ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી જતી હોય છે. આ વર્ષે પણ દિલ્હી-NCR સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ જતાં પ્રદૂષણને લઈને દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આવા ચિંતાજનક માહોલ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળી પર ફટાકડા ફોડવાના લોકોના નિર્ણયનો બચાવ કર્યો છે. એક જાહેર કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે લોકોએ ઉત્સાહપૂર્વક ફટાકડા ફોડીને બિલકુલ બરોબર જ કર્યું છે અને તહેવારના કારણે જો થોડું પ્રદૂષણ વધ્યું હોય તો તે આપમેળે શમી પણ જશે.

"પ્રદૂષણ વધ્યું છે તો શમી જશે, ચિંતા કેમ કરવી?"

જાહેરાત

દિવાળી પછી હવાની ગુણવત્તા કથળવા અંગે ઉઠેલા સવાલોનો જવાબ આપતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને પ્રદૂષણ અંગે બિનજરૂરી ચિંતા ન કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, તમે પણ દિવાળી ઉજવી, પરંતુ ઘણા લોકોએ ફરિયાદ કરી કે તેનાથી પ્રદૂષણ ફેલાયું છે. મેં કહ્યું કે જો પ્રદૂષણ વધ્યું છે, તો તે સમય જતાં આપમેળે શમી પણ જશે, તો પછી ચિંતા શેની? દિવાળી પર ધામધૂમથી આતશબાજી કરવી એ કોઈ મોટી બાબત નથી અને વાતાવરણમાં ફેલાયેલું પ્રદૂષણ થોડા સમયમાં શાંત થઈ જશે.

સિસ્ટમ બગાડનારા ભ્રષ્ટાચારીઓ સામે સવાલ કેમ નહીં?

 

મુખ્યમંત્રીએ તહેવારો આવતાં જ પર્યાવરણની ચિંતા કરનારા વર્ગ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકોએ પોતાના ભ્રષ્ટ આચરણથી આખી સિસ્ટમને પ્રદૂષિત કરી દીધી છે તેમને કોઈ સવાલ પૂછતું નથી. પરંતુ જો જનતા માત્ર 1 દિવસ ફટાકડા ફોડીને આતશબાજી સાથે ઉત્સવ મનાવે, તો અચાનક તે પ્રદૂષણનો મોટો મુદ્દો બની જાય છે. જો પ્રદૂષણ થાય તો પણ તે આખરે થાળે પડી જશે. એ કોઈ ગંભીર ચિંતાનો વિષય નથી. જ્યારે સામાન્ય જનતા ખુશીઓ મનાવતી હોય અને તહેવારો ઉજવતી હોય ત્યારે જ અમુક લોકોને પ્રદૂષણ કેમ યાદ આવી જાય છે?

અયોધ્યામાં પોતે કરી આતશબાજી

મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે તેમની સરકાર દ્વારા દિવાળી પર ફટાકડા ફોડવા પર કોઈ જ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નહોતો અને લોકોને મુક્તપણે ઉત્સવ ઉજવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લોકોએ પૂરા ઉત્સાહથી દિવાળી ઉજવી અને પુષ્કળ ફટાકડા ફોડ્યા, તેમણે બિલકુલ યોગ્ય કામ કર્યું છે. અમે અગાઉ પણ કહ્યું હતું કે ફટાકડા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. - CM યોગી આદિત્યનાથ

ઉત્તર ભારતમાં ઝેરી હવાનો પ્રકોપ

એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આતશબાજીનું સમર્થન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જમીની વાસ્તવિકતા એ છે કે નવેમ્બર 8ના રોજ ઉજવાયેલી દિવાળી બાદ સમગ્ર ઉત્તર ભારતમાં હવા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત