'1 વર્ષના વિરહ પછી રાજીવ અને હું સાવ એકલા હતા...': સોનિયા ગાંધીએ પોતાની નવી બુકમાં ખોલ્યા અંગત જીવનના પાના

'1 વર્ષના વિરહ પછી રાજીવ અને હું સાવ એકલા હતા...': સોનિયા ગાંધીએ પોતાની નવી બુકમાં ખોલ્યા અંગત જીવનના પાના
તસવીર: gstv
આ સમાચાર સાંભળો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની નવી આત્મકથા 'Belonging: A Journey of Love' રિલીઝ થતાં જ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. આ પુસ્તકમાં તેમણે માત્ર રાજકીય ઉતાર-ચઢાવ જ નહીં, પરંતુ પોતાના અંગત જીવન, રાજીવ ગાંધી સાથેના પ્રેમ અને ઇટાલીથી ભારત આવ્યા પછીના શરૂઆતના દિવસોની અનકહી ક્ષણો શેર કરી છે. ખાસ કરીને ૧૯૬૮માં ભારતની તેમની પ્રથમ યાત્રા અને બચ્ચન પરિવાર સાથેના તેમના ગાઢ સંબંધોનો રોચક વૃત્તાંત તેમણે વર્ણવ્યો છે.

13 જાન્યુઆરી 1968: ભારતની ભૂમિ પર પ્રથમ પગલું

સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે, ૧૩ જાન્યુઆરી ૧૯૬૮ની સવારે ૫:૧૫ વાગ્યે જ્યારે તેમનું વિમાન દિલ્હી લેન્ડ થયું ત્યારે તેઓ ખૂબ થાકેલા હતા. એ સમયે દિલ્હીનું એરપોર્ટ યુરોપના આધુનિક એરપોર્ટની સરખામણીએ સાવ સામાન્ય અને ઓછી રોશનીવાળા હેંગર જેવું હતું. પરંતુ એરપોર્ટ પર રાજીવ ગાંધીને જોતાં જ તેમનો બધો થાક અને ડર ગાયબ થઈ ગયા. રાજીવ સાથે તેમના નાના ભાઈ સંજય ગાંધી અને પારિવારિક મિત્ર અમિતાભ બચ્ચન પણ સોનિયાને રિસીવ કરવા પહોંચ્યા હતા.

13, વિલિંગ્ડન ક્રેસન્ટ: બચ્ચન પરિવારના ઘરે રોકાણ

લગ્ન પહેલાં સોનિયા ગાંધી માટે જાણીતા હિન્દી કવિ હરિવંશ રાય બચ્ચન અને તેમની પત્ની તેજી બચ્ચનના ઘરે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેજી બચ્ચને સોનિયાનું સ્વાગત ખૂબ જ સ્નેહ અને હૂંફ સાથે કર્યું હતું. સોનિયા લખે છે કે, તેજી બચ્ચન તેમના માટે એક માતૃતુલ્ય આધાર બની ગયાં હતાં, જે હંમેશાં તેમને ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજ શીખવવામાં મદદ કરતાં હતાં.

"એક વર્ષની જુદાઈ પછી રાજીવ અને હું એકલા હતા..."

પુસ્તકમાં એ યાદગાર ક્ષણનો ઉલ્લેખ કરતાં સોનિયા જણાવે છે કે, બચ્ચન પરિવારના ઘરે તેમના માટે ફાળવાયેલા રૂમમાં પહોંચ્યા બાદ આખરે એક વર્ષની લાંબી જુદાઈ પછી તેઓ અને રાજીવ એકલા હતા. રાજીવે તે રૂમને સોનિયા માટે અત્યંત આરામદાયક અને સુંદર રીતે સજાવ્યો હતો.

હરિવંશ રાય બચ્ચનની એ શીખ જે ક્યારેય ન ભૂલાય

પુસ્તકમાં સોનિયા ગાંધીએ જાણીતા કવિ હરિવંશ રાય બચ્ચનની એક મહત્વની સલાહને પણ યાદ કરી છે. બચ્ચન સાહેબ સોનિયાને કહેતા: "સોનિયા બેટી, તારે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે આ દેશમાં તું વાસ્તવમાં શું છે એ મહત્વનું નથી; સૌથી વધુ મહત્વનું એ છે કે લોકો તને શું સમજે છે અને કયા દ્રષ્ટિકોણથી જુએ છે."   આ પુસ્તક સોનિયા ગાંધીના એક ઇટાલિયન યુવતીમાંથી ભારતીય પરિવાર અને દેશ પ્રત્યેના લગાવ અને સ્વીકારની સફરને અત્યંત લાગણીસભર અંદાજમાં રજૂ કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત