હાર્દિક પંડ્યાની વિદાય બાદ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન કોણ? રોહિત શર્મા અને તિલક વર્મા વચ્ચે ટક્કર

હાર્દિક પંડ્યાની વિદાય બાદ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન કોણ? રોહિત શર્મા અને તિલક વર્મા વચ્ચે ટક્કર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની ટીમમાં મોટા ફેરફારના અહેવાલો સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાએ ટીમનો સાથ છોડીને પંજાબ કિંગ્સનો હાથ પકડ્યો હોવાના અહેવાલો વચ્ચે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થયો છે. હાર્દિકની વિદાય બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી સીઝનમાં મુંબઈની કમાન કોના હાથમાં રહેશે? આ રેસમાં પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટર તિલક વર્માનાં નામ ચર્ચામાં છે.

રોહિત શર્મા: પાંચ IPL ટ્રોફી જીતાડવાનો અનુભવ

મુંબઈ ઇન્ડિયન્સ માટે રોહિત શર્મા કેપ્ટનશિપનો મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેની આગેવાનીમાં મુંબઈની ટીમ પાંચ વખત IPL ચેમ્પિયન બની ચૂકી છે. રોહિતને ટીમની રમતની સારી સમજ છે અને ચાહકોમાં પણ તેની લોકપ્રિયતા છે. 2024ની સીઝન પહેલાં મુંબઈએ રોહિત પાસેથી કેપ્ટનશિપ લઈને હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપી હતી. આ નિર્ણયને ચાહકો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સીઝનમાં મુંબઈ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું હતું. હવે રોહિતને ફરી કેપ્ટન બનાવવામાં આવે તો ફ્રેન્ચાઇઝી અને ચાહકો વચ્ચેનો વિશ્વાસ મજબૂત કરવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત, રોહિત પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ કેપ્ટનશિપનો બહોળો અનુભવ છે. ભારતીય ટીમના નેતૃત્વ દરમિયાન તેણે બે ICC ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. મુંબઈના નવા મુખ્ય કોચ કિરોન પોલાર્ડ સાથે પણ તેના સારા સંબંધો છે.

જાહેરાત

તિલક વર્મા: યુવા કેપ્ટન તરીકે ઉભરી રહ્યો છે

બીજી તરફ, યુવા બેટર તિલક વર્મા પણ કેપ્ટનશિપ માટે મજબૂત દાવેદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે T20 ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે તેણે 53 બોલમાં અણનમ 69 રન બનાવીને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દબાણની સ્થિતિમાં શાનદાર બેટિંગ કરવાની ક્ષમતા ઉપરાંત તિલકને કેપ્ટનશિપનો અનુભવ પણ મળી રહ્યો છે. તેણે દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોનની આગેવાની કરી હતી અને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. આ ઉપરાંત ACC Rising Stars Asia Cupમાં ભારત Aની કેપ્ટનશિપની જવાબદારી પણ તેને સોંપવામાં આવી છે. અગાઉ ACC T20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં પણ તે ભારત Aનું નેતૃત્વ કરી ચૂક્યો છે.

અત્યારે રોહિતનો દાવો મજબૂત?

કેપ્ટનશિપના અનુભવ, રમતની સમજ અને ચાહકોમાં લોકપ્રિયતાની દૃષ્ટિએ રોહિત શર્માનું પલડું અત્યારે ભારે દેખાય છે. બીજી તરફ, તિલક વર્મા ભવિષ્યના કેપ્ટન તરીકે વિકલ્પ બની શકે છે. મુંબઈ ઇન્ડિયન્સે હજુ સત્તાવાર રીતે નવા કેપ્ટનના નામની જાહેરાત કરી નથી. આથી IPL 2027માં મુંબઈની કમાન કોને સોંપવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે. અનુભવી રોહિત શર્મા ફરી કેપ્ટન બનશે કે ફ્રેન્ચાઇઝી યુવા તિલક વર્મા પર વિશ્વાસ મૂકશે, તેનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ જ લેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત