દુનિયાની સૌથી મોટી AI કંપની Nvidiaમાં ભૂકંપ! CEO જેન્સેન હુઆંગના 'બે અફેર' અને ચાઈનીઝ જાસૂસની 'હની ટ્રેપે' ડૂબાડ્યા 600 અબજ ડૉલર, જશે ખુરશી?

વિશ્વની સૌથી મૂલ્યવાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ચિપ નિર્માતા કંપની એનવીડિયા (Nvidia) તેના ઇતિહાસના સૌથી મોટા અને ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. કંપનીના 63 વર્ષીય સહ-સ્થાપક અને CEO જેન્સેન હુઆંગ એક પછી એક બે મોટા કૌભાંડોમાં ફસાયા છે. પહેલા એક ચાઈનીઝ જાસૂસ એલિસ હુઆંગ સાથેના તેમના સંબંધોનો પર્દાફાશ થયો, અને હવે કંપનીના જ હેલ્થકેર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથેના તેમના કથિત અફેરના સમાચારે સિલિકોન વેલીમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વિવાદો માત્ર અંગત જીવન સુધી સીમિત નથી રહ્યા, પરંતુ તેના કારણે કંપનીના શેરમાં મોટો કડાકો બોલ્યો છે અને અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
કોણ છે કિમ્બર્લી પોવેલ?
48 વર્ષીય કિમ્બર્લી પોવેલ એનવીડિયાના સૌથી જૂના અને વરિષ્ઠ અધિકારીઓમાંના એક છે. તેઓ 2008માં મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ્સ માટે એક્સિલરેટર પ્લેટફોર્મ સ્થાપિત કરવાના ધ્યેય સાથે કંપનીમાં જોડાયા હતા. નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બેચલર ઑફ સાયન્સ (B.S.)ની ડિગ્રી ધરાવતા કિમ્બર્લીએ 18 વર્ષથી વધુ સમય કંપનીમાં વિતાવ્યો છે. તેમની કામગીરીના કારણે 2016માં તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગમાં સિનિયર ડિરેક્ટર તરીકે બઢતી મળી હતી અને 2017ના અંત સુધીમાં તેઓ હેલ્થકેર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. હાલ તેઓ એનવીડિયાના હેલ્થકેર વિભાગના વડા છે. તેમની જવાબદારીઓમાં ડ્રગ ડિસ્કવરી, મેડિકલ ઇમેજિંગ, ક્લિનિકલ વર્કફ્લો અને લાઇફ સાયન્સ માટે AI તથા એક્સિલરેટેડ કમ્પ્યુટિંગનો ઉપયોગ સામેલ છે. હેલ્થકેર વિભાગનું નેતૃત્વ કરતા પહેલાં તેઓ કંપનીના ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વ્યવસાયનું પણ સંચાલન કરતા હતા.
માર્ચ કોન્ફરન્સના એ વિવાદિત વીડિયોમાં શું હતું?
'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના અહેવાલ અને કંપનીના પાંચ અનામી સૂત્રોના નિવેદન મુજબ, જેન્સેન હુઆંગ અને કિમ્બર્લી વચ્ચેના સંબંધોની કંપનીમાં લાંબા સમયથી ચર્ચા હતી. માર્ચ 2026માં કેલિફોર્નિયાના સેન જોસમાં યોજાયેલી 'એનવીડિયા GTC' કોન્ફરન્સ દરમિયાન આ વિવાદ સપાટી પર આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ કોન્ફરન્સમાં કિમ્બર્લીએ સ્ટેજ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં જેન્સેન હુઆંગના કાર્ટૂન ચિત્રો પણ સામેલ હતા. ત્યાર પછી તેમણે એક નજીકની હોટલમાં સાથે સમય વીતાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સુરક્ષાકર્મીઓની નજર પડી જતા ઝડપી લેવાયો
આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેના મોબાઇલ ફોનમાં આ દૃશ્યો રૅકોર્ડ કરી લીધા હતા. પરંતુ જેન્સેન હુઆંગના સુરક્ષાકર્મીઓની નજર તે વ્યક્તિ પર પડી જતાં, જેમણે તાત્કાલિક તેને રોક્યો હતો અને તેનો ફોન જપ્ત કર્યો હતો. આ વાત બહાર ન આવે તે માટે તેની પાસે કડક 'નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ' (NDA) પર હસ્તાક્ષર કરાવ્યા હતા. એટલું જ નહીં, ઑક્ટોબરના અંતમાં બર્લિનમાં યોજાયેલી કોન્ફરન્સમાં પણ બંને સાથે હાજર હતા. નોંધનીય છે કે જેન્સેન હુઆંગ અને કિમ્બર્લી બંને પરિણીત છે. જ્યારે ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટરે જેન્સેન હુઆંગને ફોન કરીને આ અંગે પૂછ્યું, ત્યારે તેમણે ‘મને નથી લાગતું કે તમારે મારી સાથે સીધી વાત કરવી જોઈએ’ તેમ કહીને ફોન કૉલ કટ કરી દીધો હતો.
એલિસ હુઆંગનું 'હની ટ્રેપ', ચીનની જાસૂસીનું કૌભાંડ
આ પહેલાં જેન્સેન હુઆંગ સિંગાપોરની કંપની મેગાસ્પીડ (Megaspeed)ના પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથેના સંબંધોને લઈને પણ વિવાદમાં આવી ચૂક્યા છે. મૂળ ચીનના હુનાન પ્રાંતની એલિસ હુઆંગે અગાઉ ચીનના સ્ટેટ બ્રોડકાસ્ટરમાં પત્રકાર તરીકે તેમજ HSBC અને સિટીક સિક્યોરિટીઝમાં કામ કર્યું હતું. 2023માં તેણે બિઝનેસ પાર્ટનર્સ સાથે મળીને મેગાસ્પીડ કંપની હસ્તગત કરી હતી, જે બાદમાં દક્ષિણ-પૂર્વ એશિયામાં એનવીડિયા ચિપ્સની સૌથી મોટી ખરીદાર બની હતી. અમેરિકન ગુપ્તચર એજન્સીઓ માને છે કે એલિસને ચીનના 'મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યોરિટી' (MSS) દ્વારા જેન્સેન હુઆંગને 'હની ટ્રેપ'માં ફસાવવા માટે તૈયાર કરાઈ હતી. જૂન 2024થી ફેબ્રુઆરી 2026 વચ્ચે મેગાસ્પીડની સિસ્ટર કંપની 'સ્પીડમેટ્રિક્સ' દ્વારા એનવીડિયા ચિપ્સ ધરાવતા 4.8 અબજ ડૉલરના AI સાધનો ખરીદવામાં આવ્યા હતા, જે કથિત રીતે પ્રતિબંધો છતાં ચીનમાં પહોંચાડવા માટે હતા. મે 2025માં તાઈપેઈમાં એક હોટલમાં ડિનર બાદ જેન્સેન અને એલિસ એકબીજાને ગાલ પર ચુંબન કરતા અને બાદમાં એક જ કારમાં સાથે જતા જોવા મળ્યા હતા. જો કે, ચીનના વિદેશ મંત્રાલયે આ તમામ આક્ષેપોને 'ઉપજાવી કાઢેલી વાતો' ગણાવીને ફગાવી દીધા છે અને તેને અમેરિકા-ચીનના સંબંધો બગાડવાનું કાવતરું ગણાવ્યું છે.
જેન્સેનના અફેર્સ એનવીડિયાને ભારે પડ્યા: 600 અબજ ડૉલરનું નુકસાન!
જેન્સેન હુઆંગે 8 નવેમ્બરે તેમના કર્મચારીઓને એક મેમો મોકલીને સ્વીકાર્યું હતું કે, હું મારી પત્ની લોરી પ્રત્યે બેવફા રહ્યો છું, જેનું મને ઊંડું દુઃખ છે. જેન્સેનના આ સંબંધો કંપનીના કોડ ઑફ કન્ડક્ટનું ઉલ્લંઘન છે, જેમાં મુખ્ય અધિકારી અને તેમને સીધા રિપોર્ટ કરતા કર્મચારી વચ્ચેના અંગત સંબંધોને 'હિતોના સંઘર્ષ' એટલે કે Conflict of Interest તરીકે જોવામાં આવે છે. આ વિવાદો બહાર આવતા જ એનવીડિયાના શેરમાં મોટો કડાકો બોલ્યો હતો અને કંપનીના માર્કેટ વેલ્યુએશનમાં અંદાજે 600 અબજ ડૉલરનું જંગી નુકસાન થયું છે. રોકાણકારોએ પણ જાસૂસ સાથેના સંબંધોની માહિતી છુપાવવા બદલ કંપની અને જેન્સેન હુઆંગ સામે છેતરપિંડીનો કેસ કર્યો છે.
ગુનાઇત તપાસ શરૂ, પરંતુ જેન્સેનને પાણીચું અપાશે?
આ મામલો હવે વધુ ગંભીર બની ગયો છે કારણ કે અમેરિકાના 'ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ'(DOJ)એ મેગાસ્પીડ સામે ગુનાઇત તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે FBI પણ જેન્સેન હુઆંગના સંબંધોની તપાસ કરી રહી છે. બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ મેગાસ્પીડે તેના ડેટા સેન્ટરોમાં એનવીડિયાના સત્તાવાર હિસાબ કરતાં 50,000 વધુ ચિપ્સ આયાત કરી લીધી હતી. આ હાર્ડવેર દાણચોરીની શંકાના આધારે એનવીડિયાએ ડિસેમ્બર 2025માં મેગાસ્પીડના ડેટા સેન્ટરોનું ફરીથી ઓડિટ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે તપાસ ખરેખર થઈ કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. બીજી તરફ, એનવીડિયાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આ સમગ્ર મામલાની સ્વતંત્ર આંતરિક તપાસ માટે જાણીતી લૉ ફર્મ 'Wachtell, Lipton, Rosen & Katz'ની નિમણૂક કરી છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના જણાવ્યાનુસાર, બોર્ડ હવે જેન્સેન હુઆંગને CEO પદેથી હટાવવાની તૈયારી કરી રહ્યું છે.
સન્માનનીય વ્યક્તિનું પતન: રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં?
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જેન્સેન હુઆંગને 'એક સન્માનનીય વ્યક્તિ' ગણાવી તેમની પ્રશંસા કરી હતી. ઓક્ટોબર 2025માં ગુપ્તચર એજન્સીઓ દ્વારા અમેરિકન પ્રમુખને આ કથિત જાસૂસી કૌભાંડ વિશે માહિતગાર કરાયા હતા. હવે અમેરિકન સંસદની ત્રણ સમિતિએ જેન્સેન હુઆંગને આ મામલે બંધ બારણે બ્રીફિંગ માટે હાજર રહેવા જણાવ્યું છે. જો કે, એનવીડિયાનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના રહસ્યો સાથે કોઈ ચેડાં થયા હોવાનું માનવા માટે હજુ કોઈ નક્કર કારણ નથી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.










