VIDEO: 38 દોષિતોની ફાંસી યથાવત
2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા. 26 જુલાઈ, 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે ચુકાદો આપ્યો છે. 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઇકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી.







