અમદાવાદમાં છઠ પૂજાની તડામાર તૈયારીઓ, પણ સાબરમતી નદીમાં જોવા મળ્યું કંઈક એવું કે શ્રદ્ધાળુઓની ચિંતા વધી! જાણો શું છે સમસ્યા?

'મિની ભારત' ગણાતા અમદાવાદમાં ઉત્સવોનો ઉમંગ ક્યારેય ઓછો થતો નથી. દિવાળી બાદ હવે ઉત્તર ભારતના મહાપર્વ 'છઠ પૂજા'ની ભવ્ય ઉજવણી માટે શહેર સજ્જ બન્યું છે. આગામી રવિવારે છઠ પૂજા હોવાથી સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ અને ખાસ કરીને ઇન્દિરા બ્રિજ નીચેના ઘાટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં સમગ્ર ઘાટમાં પાણી ભરી દેવામાં આવ્યું છે.
વતન ન જઈ શકતા પરિવારો માટે અહીં જ આસ્થાનું કેન્દ્ર
નોકરી-ધંધા કે અન્ય કારણોસર પોતાના વતન બિહાર કે ઉત્તર પ્રદેશ ન જઈ શકતા હજારો પરિવારો માટે અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચેનો ઘાટ વર્ષોથી આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. આ મહાપર્વ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અહીં એકત્ર થઈને અસ્ત થતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશે.
તૈયારીઓ વચ્ચે નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય
એક તરફ તંત્ર દ્વારા ઘાટને નવા રંગરૂપ આપી સજાવવાની કામગીરી થઈ રહી છે, ત્યારે બીજી તરફ સાબરમતી નદીના કેટલાક ભાગમાં જળકુંભીનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. જે સ્થળે શ્રદ્ધાળુઓ પાણીમાં ઊભા રહીને સૂર્ય ઉપાસના કરશે ત્યાં જ જળકુંભી હોવાથી કેટલાક લોકોને હાલાકી પડવાની શક્યતા છે. ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને સ્વચ્છ પાણીમાં પૂજા થઈ શકે તે માટે તંત્ર તાત્કાલિક જળકુંભી હટાવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.









