શીલજ સર્કલ હિટ એન્ડ રન મામલો, અકસ્માત સર્જનાર ભાજપ MLAનો ભત્રીજો નીકળ્યો

શીલજ સર્કલ હિટ એન્ડ રન મામલો, અકસ્માત સર્જનાર ભાજપ MLAનો ભત્રીજો નીકળ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના શીલજ સર્કલ પર હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત કરનાર કારચાલક MLAનો ભત્રીજો રાઘવેન્દ્ર કુશવાહ નીકળ્યો. 11 નવેમ્બરના રોજ કારચાલકે રેપિડો બાઈકને અડફેટે લેતાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર સાથે રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કર્યા બાદ જામીન પર મુક્ત કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

જાહેરાત

પોલીસ ફરિયાદ મુજબ, શહેરના શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે 11 નવેમ્બરના સવારે 7 વાગ્યે અકસ્માતના બનાવમાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. જેમાં રેપિડો ચાલક પ્રદીપ કુમાર અને પાછળ બેઠેલા હર્ષદકુમાર પુરબિયાને કારચાલકે અડફેડે લીધા હતા. આ અકસ્માતમાં હર્ષદકુમાર પુરબીયા(ઉં.વ.35)નું મોત નિપજ્યું હતુ. મૃતક હર્ષદ મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો વતની અને હાલ અમદાવાદના શાસ્ત્રીનગરમાં રહેતો હતો.

આરોપીની ધરપકડ બાદ જામીન પર મુક્ત

અકસ્માતને અંજામ આપ્યા બાદ કારચાલક રાઘવેન્દ્ર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને નંબર પ્લેટ આધારે આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી હતી. અગાઉ પણ આરોપી રાઘવેન્દ્રએ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે.

આરોપી રાઘવેન્દ્ર બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો છે. હિટ એન્ડ રનના બનાવ અંગે બોપલ પોલીસે આરોપી રાઘવેન્દ્રની ધરપકડ કરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

PIએ શું કહ્યું?

આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઇન્સ્પેક્ટરે(PI) જણાવ્યું કે, 'અમે શીલજ અકસ્માતના મુખ્ય આરોપીની સવારે જ ધરપકડ કરી પૂછપરછ કર્યા બાદ કાયદાકીય જોગવાઈ મુજબ ફેટલ કેસમાં જામીન આપવા પડે તેમ હોવાથી તેને જામીન પર મુક્ત કર્યો છે. આ બાબતે કોઈ અન્ય કોઈનું દબાણ નહોતું અને અમે સીધા મુખ્ય આરોપીને જ પકડ્યો છે. અમને અકસ્માતની જાણ થયાના 15થી 17 કલાકની અંદર જ અમે આરોપીને તેના ઘરેથી લઈ આવ્યા હતા. તે ક્યાંય ભાગી ગયો નહોતો પરંતુ તેનું સરનામું અલગ હોવાથી શોધવામાં થોડો સમય લાગ્યો હતો. અકસ્માત સમયે આરોપીએ કોઈ નશો કર્યો હોય તેવી વિગત હાલની તપાસમાં સામે આવી નથી. આ અકસ્માત શીલજ તરફથી હાઇવે બાજુ જતાં રસ્તા વચ્ચે બન્યો હતો, જેમાં એક બાઈક રોડ ક્રોસ કરીને અંદર જતી વખતે રોડની વચ્ચે આવી જતાં તેના પાછળના ભાગે ટક્કર વાગી હતી. આ ઉપરાંત, જે જગ્યાએ આ અકસ્માત સર્જાયો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી.'

આ સમાચાર શેર કરો

જાહેરાત