નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર, વિવિધ કેટેગરીમાં ગુજરાતના 3 શહેરો ચમક્યા

નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર, વિવિધ કેટેગરીમાં ગુજરાતના 3 શહેરો ચમક્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બુધવારે વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં 'સ્વચ્છ સર્વેક્ષણ 2025' પુરસ્કારો એનાયત કર્યા હતા. આ વર્ષની પ્રતિષ્ઠિત 'સુપર સ્વચ્છ લીગ'માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે સુરત બીજા ક્રમે અને આંધ્ર પ્રદેશનું વિજયવાડા ત્રીજા ક્રમે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાછલા સર્વેક્ષણમાં આ કેટેગરીમાં ઈન્દોર ટોચ પર, સુરત બીજા ક્રમે અને નવી મુંબઈ ત્રીજા ક્રમે હતું. આ ઉપરાંત રાજસ્થાનનું જયપુર અને મધ્ય પ્રદેશનું ગ્વાલિયર સૌથી સ્વચ્છ શહેરો તરીકે માન્યતા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે.

'મેન્ટર સિટી' શ્રેણીમાં અમદાવાદ પ્રથમ સ્થાને

જાહેરાત

'મેન્ટર સિટી' શ્રેણીમાં અમદાવાદે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ઈન્દોર બીજા ક્રમે અને તિરુપતિ ત્રીજા ક્રમે રહ્યું છે. 'સ્વચ્છ સિટી પેર' પહેલ અંતર્ગત સાણંદ, દેપાલપુર અને કુપ્પમને અનુક્રમે અમદાવાદ, ઈન્દોર અને તિરુપતિ સાથે 'મેન્ટી સિટી' તરીકે જોડવામાં આવ્યા છે, જેથી આ શહેરો માર્ગદર્શન મેળવીને સ્વચ્છતાના ધોરણો સુધારી શકે.

NDMCની ઉત્કૃષ્ટ સિદ્ધિ અને સન્માન

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 માં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરતાં 50,000 થી 3,00,000 સુધીની વસ્તી ધરાવતી શહેરી સ્થાનિક સંસ્થાઓની શ્રેણીમાં દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. NDMC ના અધ્યક્ષ મનોજ કુમાર દ્વિવેદી અને ઉપાધ્યક્ષ કુલજીત સિંહ ચહલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.

NDMCનું ત્રણ વર્ષનું શ્રેષ્ઠ પ્રદર્શન અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ

છેલ્લા 3 વર્ષથી સતત ઉત્કૃષ્ટ રેન્કિંગ જાળવી રાખવાના કારણે NDMC એ 'સુપર લીગ' શ્રેણીમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આ સફળતા કચરા વ્યવસ્થાપન, શહેરી સ્વચ્છતા અને નાગરિકોની સક્રિય ભાગીદારીના ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિને આભારી છે. આ સિવાય પ્રદૂષણ નિયંત્રણના સઘન પ્રયાસો અને તેના અસરકારક અમલીકરણના પગલે 'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ'માં દિલ્હીએ શ્રીનગર અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરો કરતાં પણ વધુ સારું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

દેશભરના 4751થી વધુ શહેરોનું સર્વેક્ષણ

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણની આ 10મી આવૃત્તિ હતી, જેમાં દેશભરના 4751થી વધુ શહેરોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વર્ષનો સર્વેક્ષણ કાર્યક્રમ ‘સ્વચ્છતા માટે નવી પહેલ - સાથે મળીને સ્વચ્છતા લાવીએ’ થીમ પર આધારિત રાખવામાં આવ્યો હતો.

વિવિધ ભૌગોલિક શ્રેણીઓમાં અગ્રેસર રહેલા શહેરો

તટીય શહેરોની વાત કરીએ તો ઓડિશાનું પુરી, કેરળનું અલાપ્પુઝા અને મહારાષ્ટ્રનું રત્નાગિરી સ્વચ્છ તટીય શહેરો તરીકે પસંદગી પામ્યા છે. સ્વચ્છ પર્વતીય શહેરોની શ્રેણીમાં જમ્મુ અને કાશ્મીરનું જમ્મુ, ઉત્તરાખંડનું રુદ્રપુર અને જમ્મુ અને કાશ્મીરનું શોપિયાં અગ્રેસર રહ્યા છે. તે જ રીતે નદી કાંઠાના સ્વચ્છ શહેરોની શ્રેણીમાં મધ્ય પ્રદેશનું રીવા, છત્તીસગઢનું બિલાસપુર અને ઉત્તર પ્રદેશનું વારાણસી મોખરે રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત