વિદેશી કોર્ટ દ્વારા અપાયેલા છૂટાછેડા ભારતીય લગ્ન માટે અમાન્ય, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ભારતીય કાયદા હેઠળ થયેલા પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં વિદેશી નાગરિકતા મેળવીને બીજા દેશમાં લગ્ન કરનાર વ્યક્તિ સામે ભારતમાં દ્વિપત્નીત્વ (Bigamy)ના ગુના હેઠળ કાર્યવાહી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય લગ્ન સંબંધિત વિવાદમાં વિદેશી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના હુકમને ભારતમાં આપમેળે માન્યતા મળી શકે નહીં. કોર્ટે કહ્યું કે પ્રથમ લગ્ન ભારતમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હોય તો તેની કાયદેસર સમાપ્તિ માટે ભારતીય કોર્ટના અધિકારક્ષેત્રને અવગણી શકાય નહીં.
બ્રિટિશ નાગરિકતા મેળવી બીજા લગ્ન કરનાર પતિની અરજી ફગાવી
જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બેન્ચે એન. શ્રીધર રેડ્ડીની અરજી ફગાવતી વખતે આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. રેડ્ડીએ પોતાની સામે દ્વિપત્નીત્વ અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ નોંધાયેલા કેસને રદ કરવાની માગ કરી હતી. રેડ્ડીની દલીલ હતી કે તેઓ હવે ભારતીય નાગરિક નથી અને બ્રિટનના કેમ્બ્રિજ કાઉન્ટી કોર્ટ દ્વારા તેમને પ્રથમ પત્ની એન. ગીતા પ્રશાંતિથી છૂટાછેડા મળી ચૂક્યા છે. તેથી ભારતમાં તેમની સામે કાર્યવાહી થઈ શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી.
ભારતીય કોર્ટના અધિકારક્ષેત્રને અવગણી શકાય નહીં
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેડ્ડીનાં પ્રથમ લગ્ન ભારતમાં થયાં હોવાથી આ વૈવાહિક વિવાદનો નિર્ણય લેવાનો અધિકાર ભારતીય કોર્ટને છે. કેમ્બ્રિજ કાઉન્ટી કોર્ટ દ્વારા આપવામાં આવેલો છૂટાછેડાનો હુકમ ભારતીય કાયદા હેઠળ માન્ય ગણાવી શકાય નહીં. કોર્ટના જણાવ્યા અનુસાર, રેડ્ડીએ શરૂઆતમાં આંધ્રપ્રદેશના ગુંટુરમાં સિવિલ જજની કોર્ટમાં પ્રથમ લગ્ન રદ કરવાની અરજી કરી હતી. ત્યાંથી જરૂરી રાહત ન મળતાં તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ બાદમાં તે અપીલ પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ કથિત રીતે બ્રિટનની નાગરિકતા મેળવ્યા પછી તેમણે ત્યાંની કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી હતી.
'લગ્ન તૂટી ગયાં છે'ના આધારે વિદેશી કોર્ટે આપ્યા હતા છૂટાછેડા
કેમ્બ્રિજ કાઉન્ટી કોર્ટે 29 જાન્યુઆરી, 2014ના રોજ લગ્ન સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો હોવાના (Irretrievable Breakdown of Marriage) આધારે છૂટાછેડાનો હુકમ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે રેડ્ડી અને તેમની પ્રથમ પત્નીનાં લગ્ન હિંદુ કાયદા હેઠળ થયાં હતાં. તે સમયે લાગુ હિંદુ વૈવાહિક કાયદામાં આ કારણને છૂટાછેડા માટે સ્વતંત્ર કાયદેસર આધાર તરીકે માન્યતા નહોતી. તેથી વિદેશી કોર્ટનો આ હુકમ ભારતીય કાયદા સાથે સુસંગત નહોતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વિદેશી કોર્ટનો કોઈપણ હુકમ ભારતમાં આપમેળે લાગુ પડતો નથી. નાગરિક પ્રક્રિયા સંહિતા (Code of Civil Procedure)ની કલમ 13 હેઠળ વિદેશી ચુકાદાને માન્યતા આપવા માટે નિર્ધારિત કાનૂની શરતોનું પાલન જરૂરી છે.
પ્રથમ પત્નીએ વિદેશી કોર્ટના અધિકારક્ષેત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો
સુપ્રીમ કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી કે રેડ્ડીની પ્રથમ પત્ની ગીતા પ્રશાંતિએ વિદેશી કોર્ટના અધિકારક્ષેત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેથી તે કોર્ટ દ્વારા આપવામાં આવેલો છૂટાછેડાનો હુકમ તેમના પર બંધનકર્તા ગણાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે પ્રથમ લગ્ન ભારતમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયાં હતાં. ત્યારબાદ બીજા લગ્ન વિદેશમાં થયાં હોય તો પણ દ્વિપત્નીત્વના આરોપની ગંભીરતા ઓછી થતી નથી. આ ગુનાની તપાસ માત્ર બીજા લગ્ન ક્યાં થયાં તેના આધારે નક્કી થઈ શકે નહીં, પરંતુ પ્રથમ લગ્ન કાયદેસર રીતે ચાલુ હતાં કે નહીં તે પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.
નાગરિકતા બદલવાથી કાનૂની જવાબદારી ટળતી નથી
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે લગ્ન ચાલુ હોવા દરમિયાન પતિએ પોતાની નાગરિકતા બદલી હોય તો પણ પ્રથમ લગ્નમાંથી ઊભી થતી કાનૂની જવાબદારીઓ સમાપ્ત થતી નથી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 494 હેઠળ દ્વિપત્નીત્વના ગુનામાં સાત વર્ષ સુધીની કેદની જોગવાઈ હતી. વર્ષ 2024માં IPCના સ્થાને અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 82માં આ ગુનાને લગતી જોગવાઈ કરવામાં આવી છે. આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય કાયદા હેઠળ થયેલા પ્રથમ લગ્ન કાયદેસર રીતે સમાપ્ત થયા વિના વિદેશમાં કરાયેલા બીજા લગ્નના મામલે ભારતમાં કાનૂની કાર્યવાહી થઈ શકે છે.









